(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
સુરતમાં કોરોના વાયરસના કેસોમાં ઝડપી વધારો થતાં સર્વત્ર ભયનો માહોલ છવાયેલો છે. કોરોનાની મહામારીની વિકટ સ્થિતિમાં ટેક્ષ્ટાઈલ્સ માર્કેટોમાં કોરોના સંક્રમણનું જોખમ વધતા રિંગરોડ સ્થિત આઠથી વધુ મોટી માર્કેટોએ સ્વૈચ્છિક બંધ પાળતા રિંગરોડ માર્કેટ વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો છે. જ્યારે ચાલુ રહેલી માર્કેટોમાં પણ વેપાર પર અસર પડી હોવાનું જાણવા મળે છે. સુરતમાં કોરોના સંક્રમણની વિકટ સ્થિતિમાં ડાયમંડ ઉદ્યોગ બાદ સૌથી વધુ કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કોરોનાનો ચેપ લાગતા રિંગરોડ સ્થિત ટેક્ષ્ટાઈલ્સ માર્કેટોના વેપારીઓએ ધંધો બંધ કરી દેવાનું મન બનાવી લેતા જુદી-જુદી આઠ જેટલી ટેક્ષ્ટાઈલ્સ માર્કેટો દ્વારા આગામી તા.૧૯મી સુધી સ્વૈચ્છિક રીતે બંધનો અમલ શરૂ કરી દેવાતા કાપડ માર્કેટ વિસ્તારમાં કામકાજ નહિવત બની જતા માર્કેટમાં સન્નાટો છવાઈ ગયો છે. ગઈકાલથી ન્યુ ટેક્ષ્ટાઈલ્સ, જેજે માર્કેટ, રતન માર્કેટ, રઘુકુળ માર્કેટોએ કામકાજ બંધ કરી દીધું હતું અને આજથી હીરા પન્ના માર્કેટ અને અશોકા ટાવર માર્કેટ પણ સ્વૈચ્છિક બંધમાં જોડાઈ ગઈ છે. ટેક્ષ્ટાઈલ્સ માર્કેટો દ્વારા સ્વૈચ્છિકપણે બંધનો અમલ કરવાના સમાચારથી બહાર ગામના વેપારીઓની ખરીદી સદંતર બંધ થઈ જવાના કારણે કેટલીક ખુલ્લી રહેલી માર્કેટોમાં પણ ભારે અસર પડતા માર્કેટોમાં શુષ્ક માહોલ છવાઈ ગયો છે. માર્કેટો બંધ રહેતા માર્કેટના અન્ય શ્રમિકો, ટેમ્પા ચાલકોએ પણ રોજગારી ગુમાવવાની નોબત આવી પડી છે.

સાબુ અને ડિટરજન્ટ માર્કેટ પણ સ્વૈચ્છિક બંધ

સંક્રમણના કેસ વધી રહ્યા હોવાથી ભાગળના રૂવાલા ટેકરાસ્થિત આવેલી શોપ એન્ડ ડિટરજન્ટ માર્કેટે પણ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય કર્યો છે. ૧૩મીથી ૧૯મી જુલાઈ સુધી બપોરે બે વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવામાં આવશે, એમ માર્કેટ એસોસિએશને ગુજરાત ટુડેને જણાવ્યું છે.