(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
રત્નકલાકારોના કોરોનાના કેસમાં વધારો થતા હીરા ઉદ્યોગ બંધ રાખવા મુદ્દે બેઠક યોજાઈ છે. પાલિકા કમિશનર સાથે જીજેઇપીસી અને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે મિટિંગ થઇ હતી. જે પ્રમાણે કોઈ યુનિટમાં ત્રણ પોઝિટિવ કેસ આવશે તો યુનિટને બંધ કરી દેવામાં આવશે.
આ ઉપરાંત હીરા બજાર મહિધરપુર અને વરાછા સેલ્ફ વોલ શનિવાર અને રવિવાર બંધ રહેશે. હીરા યુનિટોમાં એસી બંધ કરીને બારી બારણા ખુલ્લા રાખવામાં આવશે. એક ઘંટી પર બે જ લોકો બેસીને કામ કરી શકશે. કર્મચારીઓને આયુર્વેદિક ઉકાળા અને ગરમ પાણી આપવાની વ્યવસ્થા કરવાની રહેશે. કોરોના વાયરસ સંક્રમણ અટકાવા માટે બે મહિના કરતા વધુ સમય લોકડાઉન બાદ તમામ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા હતા. જો કે, મોટા પ્રમાણ શ્રમિકો વતન જતા રહેતા બીજા ઉદ્યોગો શરૂ થયા ન હતા પરંતુ હીરાનો વેપાર શરૂ થયો હતો. ફરજિયાત માસ્ક સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. છેલ્લા ૨૦ દિવસથી જે રીતે સુરતમાં સતત કેસ વધી રહ્યા છે તેમાં ૨૫૦ જેટલા રત્નકલાકર સંક્રમિત થયા છે. રવિવારે સુરત શહેરમાં અત્યાર સુધી સૌથી વધારે ૧૫૦ જેટલા કેસ સામે આવ્યા છે. જેમાં ૩૮ જેટલા કેસ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા જણાઈ આવતા તંત્રની ચિંતા વધી છે. તેમાં પણ સૌથી વધુ સંક્રમિત રત્નકારોની સંખ્યા કતારગામ ઝોનમાં સામે આવ્યા છે. અહીં ૫૦ ટકા સ્ટાફની જગ્યાએ ૧૦૦ ટકા કર્મચારી સાથે ફેક્ટરી ચાલુ કરવા ઉપરાંત એક ઘંટી પર બેને બદલે ચાર લોકો બેસડાવામાં આવી છે. આ ઉપરાંત હીરા બજારમાં પણ લોકોને ભીડ નહિં કરવા માટે સૂચના આપવામાં આવી હતી. જ્યારે હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો સંક્રમણ માટે સુપર સ્પ્રેડર બન્યા છે. જેને પગલે શહેરની મોટી હીરા કંપનીઓએ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો તો કેટલીક કંપનીઓ અઠવાડિયાની રજા આપી દીધી છે.