(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૯
સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ પાસેના શિતલ ડાયમંડ કંપનીમાંથી ૪૦ જેટલા રત્નકલાકારોને છૂટા કરી દેવાયા છે. રત્નકારોમાં કૂતુહલ મચી ગયો હતો. રત્નકલાકારોને બે દિવસનો સમય આપી અન્ય જગ્યાએ કામ શોધી લેવા માટે જણાવાયું હતું. છૂટા કરાયેલા રત્નકલાકારો રત્નકલાકાર વિકાસ સંઘની ઓફિસ પહોંચી ગયા હતા અને પોતાની રજૂઆત કરી હતી. રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, હાલ મંદીનો સમય ચાલી રહ્યો છે ત્યારે અમને છૂટા કરી દેવાતા અમારી રોજી રોટીનો પ્રશ્નો ઊભો થયો છે. જેથી અમને કંપની દ્વારા ત્રણ મહિનાનો નોટિસ પિરીયડ આપવામાં આવે અથવા તો ત્રણ મહિનાનો પગાર આપવામાં આવે. તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.
રત્નકલાકારેએ જણાવ્યું હતું કે, અમને લગભગ ૪૦થી વધુ રત્નકલાકારોને છૂટા કરી દીધા છે. હવે અમારા પરિવારનો પ્રશ્ન ઉભો થયો છે. એક રત્નકલાકારને તો જાડીયો હોવાનું કહીને છૂટો કરી દીધો બાકીનાને કારણ પણ અપાયું નથી. અમને ત્રણ મહિનાના પગાર સહિતની માગણીઓ પુરી કરવામાં નહીં આવે તો અમે આગળ સુધી લડીશું.
વધુમાં જાણવા મળતા હાલ હિરા ઉદ્યોગ મંદીનો સમાનો કરી રહ્યું છે. શહેરમાં દર મહિને ત્રણ-ચાર નાના-મોટા હિરાના કારખાનાઓ દ્વારા કારીગરોને છુટા કરવામાં આવી રહ્યાં છે. મંદીના સમયે છૂટાકરાયેલા કારીગરોને બીજા કોઈ કારખાનામાં નોકરી મળવાની શક્યતા નહીંવત હોવાથી બે રોજગારી ઘેરી બનતી જાય છે. રત્નકલાકરોએ સંઘની ઓફિસે પહોંચી જરૂરી સહકારની માગણી કરી હતી.