(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૨
સુરત શહેર સહિત જીલ્લામાં ત્રણ દિવસે મેઘરાજાની પધરામણી યથાવત રહી હતી. સવારથી ધીમી ધારે પડેલા વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. અને ચોર્યાસી તાલુકામાં સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૧૫ મીમી વરસાદ ખાબક્યો હતો. સુરત શહેરમાં ૨મીમી વરસાદ પડ્યો છે. પરંતુ કતારગામ ઝોનમાં ૧૬ મીમી અને સેન્ટ્રલ ઝોનમાં ૮ મીમી વરસાદ પડ્યો છે. ચોર્યાસીમાં ૧ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.
શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં બે થી ત્રણ ફુટ જેટલા પાણી ભરાઇ ગયા હતા. છેલ્લાં ૪ દિવસથી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ધીમી ધારે પડી રહ્યો છે. અસહ્યા ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી છે. છેલ્લાં ૧૨ કલાક દરમ્યાન બારડોલીમાં ૯, ચોર્યાસીમાં ૨૫ મીમી, પલસાણામાં ૮ અને સુરત શહેરમાં ૯ મીમી વરસાદ ખાબકયો છે. બાકીના તાલુકા કોરા કટ જાવા મળ્યા છે. આ ઉપરાંત સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૮ મીમી, વરાછામાં ૨ મીમી, રાંદેરમાં ૨ મીમી, કતારગામમાં ૧૬ મીમી અને અઠવામાં ૬ મીમી વરસાદ ખાબક્યો છે.