(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.ર૮
આજે સુરત શહેરમાં કોરોના વાયરસના નવા ૨૬ પોઝિટિવ દર્દીઓ મળી આવતા સુરત શહેરમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા ૧૪૦૬ ઉપર પહોંચી હતી. નવા પોઝિટિવ દર્દીઓને કોરોન્ટાઈન કરી તેઓના સંપર્કમાં આવનારા તમામને હોમ કવોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા.
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે છ વાગ્યા સુધીમાં નવા ૩૪ દર્દીઓની સાથે સુરત શહેરમાં કોરોના પોઝિટિવ ધરાવતા દર્દીઓની કુલ સંખ્યા ૧૩૮૦ નોંધાઈ હતી. ત્યારબાદ આજે બપોરે બાર વાગ્યા સુધીમાં વધુ નવા ૨૬ કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થઈ ગયું હતું. આમ, આજે બપોર સુધીમાં સુરત શહેરમાં કોરોના પોઝિટિવ ધરાવતા દર્દીઓની કુલ સંખ્યા ૧૪૦૬ ઉપર પહોંચી ગઈ છે. જોકે, વિતેલા ૧૮ કલાકમાં મૃત્યુ નોંધાઈ નથી. અત્યાર સુધી કોરોના પોઝિટિવ ધરાવતા ૬૪ વ્યક્તિ મૃત્યુ પામી ચૂકી છે.
સુરત મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ કુલ કોરોના પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૪૦૬માંથી ૯૬૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી. જ્યારે ૬૪ વ્યક્તિના મૃત્યુ થયા હતા. હાલ સરકારી કોરોન્ટાઈન હોસ્પિટલમાં કુલ ૩૮૨ કોરોના પોઝિટિવ દર્દીની સારવાર ચાલી રહી છે.

નવસારીમાં કુલ કેસ રર : ૮ને રજા અપાઈ

નવસારી જિલ્લામાં કુલ ૨૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જે પૈકી આઠ દર્દીઓ સાજા થઈ ગયા છે અને ૧૪ દર્દીઓ સારવાર હેઠળ છે. હાલમાં જિલ્લામાં જ્યાં પોઝિટિવ કેસો નોંધાયા છે એવા કન્ટેનમેંટ ઝોન અને સંલગ્ન બફર ઝોનના વિસ્તારોમાં આરોગ્ય સર્વેક્ષણ સહિતની તકેદારીઓ મેડિકલ ટીમો દ્વારા લેવામાં આવી રહી છે.પોઝિટિવ કેસો સાથે નિકટ સંપર્ક હોય એવા વ્યક્તિઓને હોમ કોરોન્ટાઇનમાં તકેદારી હેઠળ રાખવામાં આવ્યા છે.