એસબીઆઈ કાર્ડે ત્વરિત કાર્યવાહી કરી અને જણાવ્યું કે રૂતુલ એસબીઆઈનો નહીં કવેસ કોર્પ લિ.નો કર્મચારી છે તેની સામે આકરાં પગલાં ભરવા સૂચના આપી છે

સુરત, તા.૭

સુરતની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં નોકરી માટે ગયેલ મુસ્લિમ યુવાન નદીમ સૈયદનું નામ સાંભળી તેના માટે ફોન પર ગાળો ભાંડી નામ રિજેક્ટ કરવાનો ઓડિયો વાયરલ થયા બાદ આ અંગેનો અહેવાલ ‘ગુજરાત ટુડે’માં પ્રકાશિત થતા જેના ઘેરા પડઘા પડ્યા છે.

આ અંગે એસબીઆઈ કાર્ડના એસોસિએટ ડાયરેક્ટર રાકેશકુમાર ઝાએ ‘ગુજરાત ટુડે’ને જણાવ્યું હતું કે રૂતુલ લિંબાચિયા એસબીઆઈનો નહીં પણ ક્વેસ કોર્પ  લિ.નો કર્મચારી છે તથા તેની સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. જો કે કંપનીએ તેને છૂટો કરી દીધો હોવાનું જાણવા મળે છે.

એસબીઆઈ કાર્ડ ન્યાયી રોજગારના વ્યવહારમાં ભારપૂર્વક વિશ્વાસ રાખે છે. એસબીઆઈ કાર્ડ જાતિપાત લિંગ, પ્રદેશ કે ધર્મ સહિત ભેદભાવના તમામ સ્વરૂપોને પ્રતિબંધિત કરવા વચનબદ્ધ છે. કર્મચારીઓને સમાન અને ન્યાયી તક આપીએ છીએ. બેંકના મૂલ્યોની ભાગીદારો, વેન્ડરો અને તૃતિય પક્ષની સેવા પ્રદાતાઓને ભારપૂર્વક જાણ કરવામાં આવતી હોવાની તથા કોઈપણ પ્રકારનો ભેદભાવ રખાતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે રૂતુલ લિંબાચિયાને ચિરાગ પટેલે મોબાઈલ ફોન કરી બે યુવાનો નોકરી માટે આવ્યા હોવાનું જણાવ્યું હતું. જેઓને અઠવાલાઈન્સ સ્થિત પેટ્રોલપંપ પર મોકલી આપવા જણાવ્યું હતું. પરંતુ  ફોન મૂક્તા પહેલા બંનેના નામ પૂછ્યા હતા જેમાં એક હિન્દુ અને બીજો યુવાન મુસ્લિમ-નદીમ સૈયદ હોવાનું જણાવતા તરત જ તેનું કટ્ટરવાદી માનસ છતું થયું હતું અને ગાળ બોલીને તેને ભગાડી  મૂકવા સૂચના આપી હતી અને તેને રિજેક્ટ કરવાની વાત કરી હતી જે વાતચીતનો ઓડિયો વાયરલ થતા તેના મુસ્લિમ સમાજમાં ઘેરા પડઘા અને પ્રત્યાઘાત પડ્યા હતા અને રોષની લાગણી ફેલાઈ ગઈ હતી અને આવું કોમવાદી માનસ ધરાવનાર શખ્સ સામે કડકમાં કડક પગલા ભરવાની માંગ ઉઠવા પામી હતી. જો કે મળતી વિગત અનુસાર તેને છૂટો કરી દેવાયો છે.