સુરત તા ૯

સાઉદી અરેબિયાથી પરત ફરીને માત્ર ચાર મહિનાના ટુંકા સમયગાળામાં આપઘાત કરી લેનાર સૈયદ સરવરે આલમના મોત પાછળ અનેક રહસ્યો ઘુંટાઈ રહ્યાં છે. મુળ કોલકાતાના વતની અને સુરતમાં સ્થાયી થયેલા મૃતકના મોત પાછળના રહસ્યો શોધવા માટે પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ કરવામાં આવી છે.

કોલકાતાસ્થિત હાલાદાર પાળાના વતની સૈયદ સરવરે આલમ ઐનુલ હક્કે સુરતની રૂકૈયા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા જેના થકી ઝોયા અને બરીરા નામની દિકરીઓ અવતરી હતી. લગ્ન પછી સાઉદી અરેબિયા નોકરી માટે ગયેલા સરવરે આલમ દર મહિને ૫૦ હજાર જેટલી કમાણી કરી લેતો હતો જેમાંથી મોટાભાગની રકમ પત્નીને મોકલી આપતો હતો. ટુંકાગાળામાં સારી રકમ એકત્રિત થઈ હોવાથી લિંબાયતના ભાવનાનગરમાં એક ફ્લેટ પણ ખરીદી લીધો હતો જેમાં તેની પત્ની, બે બાળકી, બે સાળા તેમજ સાસુ રહેતા હતા.

એક બેડરૂમ હોલ કિચન વાળા ફ્લેટમાં આટલા બધા લોકોને સાચવતા સરવરે આલમ ગત ફેબ્રુઆરી મહિનામાં સાઉદીથી સુરત આવ્યા અને લોકડાઉનને કારણે ફસાઈ ગયા હતા જેથી સુરતમાં જ સ્થાયી થયા હતા. આ સમયગાળા દરમિયાન પત્ની અને સાસુ સાથે ઘણીવાર ઝઘડા થયા હતા એટલે સરવરને એના જ ઘરમાંથી કાઢી પણ મુકવામાં આવતો હતો.

ગત ૧૮મીએ પત્ની સાથે ઝઘડો થયા બાદ બેડરૂમમાં જતાં રહેલા સરવરની રાત્રે દસેક વાગ્યના અરસામાં ફાંસો ખાધેલી અવસ્થામાં લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી પરંતુ પત્ની, સાસુ અને સાળાઓના મોઢા પર જે દુખ હોવું જોઈએ તે દેખાયું ન હતું. આ મામલામાં મૃતકના બહેન નાઝનીન બેગમે પોલીસ કમિશનરને અરજી આપી છે જેમાં ન્યાયીક તપાસની માંગણી કરવામાં આવી છે. નાઝનીનબાનુએ સુરતના સિનિયર એડવોકેટ મહેબુબ ટેલર મારફતે એપ્લીકેશન કરી છે.