(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
કરણીસેના સુરત દ્વારા સંજયલીલા ભણસાલીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવતમાં રાજસ્થાનના ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી હોવાથી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ પાસે ધરણાં અને પ્રતિક ઉપવાસ શરૂ કર્યો છે.
સુરત શહેરના અલથાણ સિટીલાઈટ ખાતે રહેતા વિક્રમસિંહ રાજ્યપાલસિંહ શેખાવત દ્વારા પોલીસ કમિશનરની પરવાનગી લઈને આજે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડની બાજુમાં ફિલ્મ પદ્માવતીના વિરોધ ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ શરૂ કરવામાં આવ્યા છે. ફિલ્મ નિર્માતા સંજયલીલા ભણસાલી દ્વારા પદ્માવત ફિલ્મના ઈતિહાસ સાથે છેડછાડ કરી હોવાના આક્ષેપ સાથે કરણીસેના અને સમગ્ર રાજપુત સમાજ દ્વારા ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. પદ્માવત ફિલ્મના લીધે શહેર-રાજ્ય સહિત દેશમાં ઠેર ઠેર વિરોધ પણ થયો છે. સુપ્રીમ કોર્ટના આદેશથી ૨૫મી જાન્યુઆરીએ ફિલ્મ રિલીઝ થવાની છે. પદ્માવત ફિલ્મનો વિરોધ કરવા માટે કરણીસેના આજે તા.૨૪-૧-૨૦૧૮ થી ૩૦-૧-૨૦૧૮ સુધી સવારે ૧૦ થી સાંજે ૫ સુધી શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન અને પ્રતિક ઉપવાસ કર્યા હતા. શહેરીજનો પદ્માવત ફિલ્મ ન જુએ તે અંગે શાંતિપૂર્વક સમજાવવામાં આવશે. શહેરની શાંતિ ડોહળાય નહીં તે પ્રમાણે અહિંસક ધોરણે પ્રદર્શન અને ઉપવાસ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.