(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
શહેરની કાપોદ્રા – પુણા – ઉમરા – કતારગામ પોલીસે ‘પદ્માવત’ ફિલ્મના વિરોધ પ્રદર્શન વખતે હિંસક બનનાર ટોળા સામે ફરિયાદ નોંધી રપ જેટલા ઇસમોની ધરપકડ કરી હતી. પુણામાં વિરોધ પ્રદર્શન વખતે મહિલા પોલીસ કર્મચારીની જાતિય છેડતી કરાઇ હોવાનું જાણવા મળે છે.
ગતરોજ રવિવારે સુરત સહિત રાજ્યભરમાં રાજપૂત સંગઠનોએ પદ્માવત ફિલ્મની સામે ઉગ્ર દેખાવો કર્યા હતા. સુરત શહેરમાં પણ ઠેર-ઠેર ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવે હતો. કાપોદ્રા ચાર રસ્તા પાસે ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન કરનારા ૨૫ થી ૩૫ના ટોળા સામે કાપોદ્રા પોલીસે ગુનો દાખલ કરી આરોપી રવિગીરી જયંતીગીરી ગોસ્વામી, કાળુ હિમ્મત ચૌહાણ, રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચૌહાણનું, મહાવીર જારૂભાઈ ધાંધલ, નરેન્દ્રસિંહ બાબુ પરમાર, વિક્રમ વાલેરા વાંકની ધરપકડ કરી હતી. જ્યારે પુણામાં રાજપૂત સંગઠનોના માણસો રસ્તા ઉપર ઉતરકી આવી સૂત્રોચ્ચાર પોકારી ટાયરો સળગાવી ચક્કાજામ કરતા હતા, ત્યારે ટોળાને વિખેરવા માટે ફરજ બજાવતા મહિલા પોલીસને બદઈરાદાથી સ્પર્શ કર્યો હતો. પુણા પોલીસે આરોપી મહેન્દ્રસિંહ ચૌહાણ, ગંભીર સ઼િહ ગોહિલ, શંભુસિંહ રાઠોડ, પ્રતાપસિંહ દયા સહિત ૨૫૦ના ટોળા સામે ગુનો દાખલ કર્યો હતો અને મહિલા પોલીસની છેડતી કરનાર મહેન્દ્રસિંહ નારાયણસિંહ ચૌહાણની ધરપકડ કરી હતી. જ્યારે કતારગામ ધનવંતરી ચોક ચાર રસ્તા પાસે કરણી સેના, મહાકાલ સેના, ભવાની સેના, સૂર્યસેના તથા હિન્દુ સંગઠનોના ૩૦૦ વધુના ટોળાએ ‘પદ્માવત’ ફિલ્મના વિરોધ કરી ઉગ્ર દેખાવો કર્યો હતો. દેખાવો દરમિયાન ટોળાએ ટાયરો સળગાવી બીઆરટીએસ બસ નં. જીજે-૦૫-૧૩એક્સ-૨૬૪૨માં તોડફોડ કરી હતી. કતારગામ પોલીસ ટોળા પેકી વિક્રમ રવિયાભાઈ રાજપૂત, નીતિન રાજુ, અર્જુનસિંહ મોરી, નિર્મળસિંહ વાઘેલા, વર્ધમાનસિંહ ગોહિલ, નરેશ ધનગર સ્વામી, દિનેશ રાજપૂત, પૂંજાજી સુજાજી રાજપૂત ગોહિલ અભેસિંહની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.