(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
લોકડાઉનના સમયગાળા દરમિયાન હવે વતન જવા માટે પરપ્રાંતીના લોકોએ લાઈનો લગાવી છે. જે અંતર્ગત વિતેલા બે દિવસમાં લગભગ ૬ હજારથી વધુ લોકોએ જિલ્લા કલેક્ટર સમક્ષ અરજી કરી છે. તે પૈકી ચાર લકઝરી બસો બુધવારે આજે ઓરિસ્સા જવા માટે રવાના થઇ હતી. જેમાં ૨૨૦થી વધુ લોકોને લઇ જવામાં આવ્યા હતા. બીજી બાજું શ્રમ વિભાગ દ્વારા સેલ્ટર હોમમાં આસરો લઇ રહેલા ૫૧ રાજસ્થાની કારીગરોને પણ એસટી બસમાં વતન મોકલવામાં આવ્યા હતા. જેથી વતન જવાની આશાએ અસંય પરપ્રાંતિયો સોશિયો સર્કલ અંબાનગર ખાતે આવેલા સાંસદ સી.આર.પાટીલ.ની ઓફીસની બહાર લાંબી લાઇનોમાં ઉભા રહી ગયા હતા. આ પરપ્રાંતિયો ફોર્મ લેવા અને જમા કરાવવા માટે આકરા તાપમાં ઊભા હતા. પરંતુ સોશ્યલ ડિસ્ટન્સીંગનો અભાવ અને કોરોના વાયરસના સંક્રમણની શકયતા વધી જતાં પોલીસ દ્વારા આ તમામ પરપ્રાંતિયોને ત્યાંથી ભગાડવાની કામગીરી હાથ ધરી હતી. પોલીસની આ કામગીરીના કારણે પરપ્રાંતિયોમાં રોષ ફાટી નિકળ્યો છે. આ ઉપરાંત સી.આર.પાટીલ.ના ઘરની બહાર પણ મોટી ભીડ જોવા મળતા પોલીસ દોડી આવી હતી.