(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨
શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતની માંગ સાથે ગત વર્ષોમાં શરૂ કરવામાં આવેલ આંદોલનમાં પાટીદાર યુવક સામે પણ અનેક કિસ્સાઓ પોલીસ દફતરે નોંધવામાં આવ્યા હતા. આ તમામ પોલીસ કેસો પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી પણ તેઓના હજુ સુધી પોલીસ કેસો પરત ખેચાયા નથી. આવા તમામ કેસો પરત ખેચવાની માંગણી કરવામાં આવી છે. જો પોલીસ કેસો પરત નહીં ખેંચવામાં આવશે તો રચનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવશે.
પાટીદાર સમાજના યુવાનો દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી નોકરીઓમાં થતા અન્યાયને લઈને અનામતની માંગ સાથે વર્ષ ૨૦૧૫માં સરકારને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરેલ આ રજૂઆત સંદર્ભે સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતા તે રજૂઆત સમગ્ર રાજ્યમાં આંદોલનના માર્ગે આગળ વધી આ દરમિયાન સરકાર ારા આંદોલનને દબાવવા માટે થઈ અનેક નાના મોટા ગુના નોધી આંદોલનકારીઓ તથા અનેક નિર્દોષ લોકો પર કેસ દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા અને તેને લઈ સમગ્ર રાજ્યમાં આંદોલનનો જુવાળ વધુ તેજ બન્યો અને આખરે પાટીદાર યુવાનોની માંગ વ્યાજબી લાગતા સરકારે બિન અનામત વર્ગમાં આવતા સવર્ણોને ૧૦ ટકા અનામતની જાહેરાત કરવી પડી અને આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી.
આ ઘટનાઓ દરમ્યાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓ સાથે રાખી સરકારે આંદોલનકારીઓ સાથે વાટાઘાટો અને વાતચીતો કરેલ એ દરમ્યાન સરકારમાંથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રી દ્વારા આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી અને ચૂંટણીઓ દરમ્યાન નાના નાના ઘણા કેસો સરકાર દ્વારા પરત ખેચવામાં આવ્યા છે. પરંતુ હજુ ઘણા બધા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ ભોગ બનનાર લોકો પર ના કેસો પરત ખેચવાના બાકી હોય અને જેના કારણે આવા નિર્દોષ લોકો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે જેથી આંદોલન દરમ્યાન થયેલા કેસો જે પણ ખેંચવાના બાકી હોય વહેલી તકે પાછા ખેંચવામાં આવે.