(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૭
શહેરના ઘોડદોડ રોડ કાકડિયા કોમ્પલેક્ષ પાસે પાર્કિગ કરેલ કારમાંથી એક ડાયમંડ વેપારીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ગતરોજ ઘોડદોડ રોડ કાકડિયા કોમ્પલેક્ષ પાસે, એક કાર જીજે-૦૫-જેઆર-૬૫૧૮)માં યુવકની લાશ મળી આવી હતી. મૃતદેહ અઠવાલાઈન્સ ખાતે રહેતા ડાયમંડ વેપારી પલક હિતેશ જરીવાલા (ઉ.વ.૩૧)નો હોવાની ઓળખ થઈ હતી. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતાં પોલીસને જાણ કરવામાં આવતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અને વધુ તપાસ હાથ ધરી હતી. તપાસમાં કરતા જાણવા મળ્યું કે લાશ અઠવાલાઈન્સ પંચરત્ન એપાર્ટમેન્ટમાં રહેતા ડાયમંડના વેપારી પલક જરીવાલાની છે. જે પરિવાર સાથે રહેતા અને તેમને એક સંતાન છે. તેમને રાત્રે મોડા આવવાની આદત હતી. દરમિયાન ગઇકાલે ગયેલા પલકભાઈ આજે સવારે પણ ઘરે ન પહોંચતા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. અને ઘોડદોડ પરથી કારમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. પલક જરીવાલાની કાર કાકડિયા કોમ્પલેક્ષ પાસે રેસિડેન્સીયલ ટાવર નજીકથી મળી હતી. કારની અંદર પલકે ઝેરી દવા પી દરવાજા અંદરથી લોક કર્યો હતો. નાકમાંથી લોહી પણ નીકળ્યું હતું. પલકે શા માટે આત્મહત્યા કરી તે અંગે ઉમરા પોલીસે તપાસ હાથ ધરી છે. આ ખરેખર આત્મહત્યા કરી છે કે, પછી કોઈએ ઝેરી દવા પીવડાવી પલકની હત્યા કરી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે. પલકને હીરાના ધંધામાં કોઈ મોટું નુકસાન થયું છે કે, પછી અન્ય કોઈ કારણની પણ તપાસ ચાલી રહી છે.