(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૨
જહાંગીરપુરા ત્રણ રસ્તા પર ઈસ્કોન મંદિરની પાસે એક્ટિવા વાહનના પેપર્સ તથા લાયસન્સની માંગણી કરતા મહિલા વાહન ચાલકે જહાંગીરપુરા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. સિન્ધા તથા તેમની ટીમના માણસો સાથે ગાળાગાળી કરી, ઝપાઝપી કરી હતી. પોલીસે મહિલા આરોપીની ધરપકડ કરી હતી. જોકે આરોપી મહિલા હોય તેણીને પોલીસ મથકમાં કાલે હાજર રહેવાની શરતે રસીદ આપી છોડી મૂકવામાં આવી હતી.
શહેરનાવેડરોડ પંડોળ કેશળપાર્ક સોસાયટીમાં વિધવા કૈલાશબેન સંદિપભાઈ રાઠોડે રહે છે. ગત રોજ સાંજના સુમારે તેઓ પોતાનું એકિટવા વાહન લઈને (જીજે- ૦૫ એનકે ૧૮૪૫) જહાંગીરપુરા ત્રણ રસ્તા પાસેથી પસાર થતા હતા ત્યારે જહાંગીરપુરા પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એ. સિન્ધા તથા તેમના પોલીસના માણસોએ કૈલાશબેનને રોકી ગાડીના પેપર્સ તથા લાયસન્સની માંગણી કરવામાં આવતા ઉશ્કેરાઈ જઈ પોલીસ સાથે ઝપાઝપી કરી યુનીફોર્મ પરની નંબર પ્લેટ તોડી નાંખી હતી.