(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
સુરતના લિંબાયત વિસ્તારમાં ઓમનગર ખાતે ખાનગી પ્લોટ પર ચાલી રહેલા શાંતિપૂર્વક ધરણાં પ્રદર્શનથી પ્રેરણા લઈને રાંદેર વિસ્તારમાં પણ ધરણાં યોજનાર આયોજકોને પાકિસ્તાની તેમજ આતંકવાદી અને બળાત્કારી હોવાનો વાહિયાત આક્ષેપ કરનાર જોઈન્ટ સીપી ડીએન પટેલને સસ્પેન્ડ કરવાની માગણી સાથે કલેક્ટર કચેરીએ ભારે સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યા હતા.
CAA, NRC, NPRના વિરોધમાં રાંદેર ખાતે ચાલી રહેલા ધરણાં પ્રદર્શનને કચડી નાંખવા માટે રાંદેર પીઆઈ દ્વારા દબાણ નાંખવામાં આવી રહ્યું છે. સતત દબાણ હેઠળ આવી ગયેલા આયોજકોએ પોલીસ કમિશનર સમક્ષ રજૂઆત કરવાનું નક્કી કરીને પાંચ મુસ્લિમ તેમજ બે દલિત આગેવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા પરંતુ કમિશનર બહાર હોવાથી રજિસ્ટ્રી બ્રાન્ચમાં જ મંજૂરી માંગતો લેટર જમા કરાવીને અગ્રણીઓ કમિશનર કચેરીના પ્રાંગણમાં પહોંચ્યા ત્યાં તો આ તમામને જોઈન્ટ સીપી ડીએમ પટેલે બોલાવ્યા હતા. સૌપ્રથમ તો તમામના મોબાઈલ બહાર મુકાવી દીધા હતા અને ત્યારબાદ સંવૈધાનિક પદની ગરીમા લજવતા ડીએન પટેલે એટલી હદે મુસ્લિમો પર માનસિક ત્રાસ ગુજાર્યો હતો કે, તેમની સાથે ગયેલા દલિત આગેવાનો પણ ક્રોધિત થઈ ઉઠ્‌યા હતા.
ડીએન પટેલે સૌપ્રથમ તો તમામના નામ, ધંધા, ક્યાં જન્મ્યા હતા, ક્યારે ભારત આવ્યા હતા જેવા વાહિયાત પ્રશ્નો કર્યા બાદ તમામને પાકિસ્તાની અને બાંગ્લાદેશી ગણાવ્યા હતા. આટલેથી નહીં અટકતા ડીએન પટેલે દલિત આગેવાનોને જણાવ્યું હતું કે, આ તો મુસ્લિમોને દેશથી બહાર કાઢવાનો કાયદો છે તો તમે હિન્દુઓ આવા મુસ્લિમોનો કેમ સાથ આપો છો. પટેલના આક્ષેપથી ક્રોધિત થયેલા આગેવાનો કઈં બોલે એ પહેલા તો ડીએન પટેલે એમ પણ કહ્યું હતું કે દેશમાં મુસ્લિમો આતંકવાદ ફેલાવી રહ્યાં છે અને દલિત મહિલાઓ પર બળાત્કાર પણ ગુજારે છે આવા મુસ્લિમોને સાથ આપવો ન જોઈએ.
ડીએનના આક્ષેપોથી સમસમી ઉઠેલા મુસ્લિમ અને દલિત આગેવાનોએ કલેક્ટર સમક્ષ રજૂઆત કરીને ડીએનને તાત્કાલિક અસરથી ફરજ મોકુફ કરવા માંગ કરી છે. બહુજન સમાજ પાર્ટીને બેનર તળે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવા ગયેલા એડવોકેટ પરિક્ષિત રાઠોડ, દલિત અગ્રણી રમેશ મકવાણા સહિતના આગેવાનોએ ઉગ્ર માગણી કરી હતી. આ આગેવાનો સાથે મુસ્લિમ આગેવાનો તેમજ કાઉન્સિલર અસલમ સાયકલવાલા પણ જોડાયા હતા. આ સિવાય મુસ્લિમ અને દલિત સમાજ તેમજ બહુજન સમાજ દ્વારા પણ આવેદનપત્ર પાઠવીને ડીએનને સસ્પેન્ડ કરવા માગણી કરી છે.
કટ્ટરવાદી વિચારધારા ધરાવતાં
ડી.એન. પટેલને સસ્પેન્ડ કરવા મુખ્યમંત્રીને પત્ર લખાયો
કટ્ટરવાદી વિચારધારા ધરાવતા જોઈન્ટ સીપી ડીએન પટેલને સસ્પેન્ડ કરવા માટે સંવેદનશીલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ પત્ર મોકલવામાં આવ્યો છે તેમજ ઈ-મેલ પણ કરવામાં આવ્યો છે. આ સિવાય રાજ્યના ગૃહ પ્રધાન પ્રદિપસિંહ જાડેજાને પણ પત્ર મોકલવામાં આવ્યો છે. આવા અધિકારીઓ પર લગામ કસવામાં નહીં આવે તો સુરતમાં અરાજકતા ફેલાશે એવી પણ દહેશત વ્યક્ત કરવામાં આવી છે.