(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૫
રાજ્ય સરકાર દ્વારા ઉત્તર ગુજરાતના કેટલાક ગામડાઓમાં તીડના આક્રમણને દૂર કરવા માટે હવે શિક્ષકોનો સહારો લેવાનું સરકારે નક્કી કર્યું છે. શૈક્ષણિક પ્રવૃત્તિના ભોગે આવી પ્રવૃત્તિ કરનાર સરકાર વિદ્યાર્થિનીઓ સાથે થતીય જાતીય સતામણી રોકવા માટેના ગુડ ટચ અને બેડ ટચના કાર્યક્રમ માટે વાંધા-વચકા કાઢી રહી છે.જેના કારણે સુરતની શાળા સમિતિ હસ્તકની શાળાઓમાં ચાલતા આ માટેના જાગૃતિના કાર્યક્રમો બંધ થઇ જવા પામ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં કેટલીક સેવાભાવી સંસ્થાએ વિનામૂલ્યે વિદ્યાર્થિનીઓ સાથે થતી જાતીય સતામણી રોકવા માટે પહેલ કરી છે. સ્કુલમાં જઇને શિક્ષકો અને વિદ્યાર્થીઓને જાતીય સતામણી કેવી રીતે રોકી શકાય તેનું સરળ શિક્ષણ આપી રહ્યા છે. સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે શિક્ષકોને પણ તાલીમ અપાઈ રહી છે. આવી તાલીમને કારણે અત્યાર સુધી ફરિયાદ નહોતી થતી. બાળકીઓ પર થતા અત્યાચાર બહાર આવી રહ્યા છે. સંસ્થા દ્વારા પણ શિક્ષણને કારણે સફળતા મળતાં કામ કરનારી સંસ્થાએ વધુ સારી રીતે ટ્રેનિંગ આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ સમિતિની શાળામાંથી યોગ્ય પ્રતિભાવ મળતો નથી.સમિતિ દ્વારા રાજ્ય સરકારના પરિપત્રનો ઉલ્લેખ કરી કહેવામાં આવે છે. સરકારના પરિપત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, સ્કૂલના શૈક્ષણિક કાર્ય દરમિયાન કોઇ અન્ય કાર્યક્રમ કરવા નહીં. જેનો ઉલ્લેખ કરીને સમિતિ દ્વારા ગુડ ટચ બેડ ટચ ના કાર્યક્રમ અંગે સહકાર અપાતો નથી. છેલ્લા ઘણા વખતથી સમિતિની સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચના કાર્યક્રમ સ્થગિત થઈ ગયો છે.સમિતિની શાળામાં અભ્યાસ કરતા ગરીબ બાળકોનું જાતીય શોષણ અટકાવવા માટે વિનામૂલ્યે શિક્ષણ અપાઇ રહ્યું છે. છતાં સમિતિ દ્વારા સરકારના પરિપત્રનું અર્થઘટન કરીને આ કાર્યક્રમ સ્થગિત કરી દેવામાં આવ્યો હોવાથી આશ્ચર્ય સર્જાયુ છે.કોઈપણ જાતનું શૈક્ષણિક કામ ના હોય તેવા તીડ ભગાવવાના કાર્યક્રમમાં સરકારી શાળાના શિક્ષકોનો ઉપયોગ કરવામાં આવે છે તો બીજી તરફ ગરીબ બાળકોની થતી જાતીય સતામણી રોકવા માટેના કાર્યક્રમ અટકાવવામાં આવી રહ્યા હોવાથી વિવાદ ઉભો થયો છે.સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જાતીય સતામણી અટકાવવા માટે શિક્ષણ અપાતા નાની બાળકીઓ પર થતા અત્યાચાર અટકાવવામાં સફળતા મળી છે. આ શિક્ષણને કારણે સમિતિની શાળાની વિદ્યાર્થિની સાથે થતા દુર્વ્યવહાર બહાર આવ્યા અને અટક્યા પણ છે.ઉગતની શાળામાં શિક્ષણઆપવામાં આવી રહ્યું હતું ત્યારે પાંચમા ધોરણમાં ભણતી એક વિદ્યાર્થિનીએ શિક્ષિકાને કહ્યું હતું આવું તો મારા પિતા ઘણી વાર મારી સાથે કરે છે. ત્યારબાદ પોલીસ અને સામાજિક સંસ્થાની મદદ લઇ હવસખોર બાપ પર કેસ કરવામાં આવ્યો અને વિદ્યાર્થિઓને થતી યાતનામાંથી મુક્તિ આપવામાં આવી હતી.કતારગામની બે નાની બાળકીઓ રસ્તા પર ચાલતી હતી ત્યારે એક વિકૃત યુવાને તેમની છેડતી કરી હતી. બેડ ટચ અંગે માહિતી હોવાના કારણે વિદ્યાર્થિનીઓએ સ્કૂલ અને ઘરે ફરિયાદ કરી. ત્યાર બાદ થયેલી પોલીસ ફરિયાદમાં સીસીટીવીના આધારે વિકૃત યુવાનની ધરપકડ કરી તેને જેલને હવાલે કર્યો હતો.નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં પ્રકારની વિશિષ્ટ કામગીરી માટે સુરત પોલીસ અને સેવાભાવી સંસ્થા કામ કરી રહી છે પરંતુ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી રાજ્ય સરકારના પરિપત્રનું અર્થઘટન કરીને શાળામા આવા પ્રકારનું શિક્ષણ આપવાનું બંધ કરી દેતાં ભારે આશ્ચર્ય સર્જાયું છે.