(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૧
સુરત જિલ્લાના મહેસૂલી કામગીરીની સમીક્ષા બેઠક સુરત જિલ્લા પ્રભારી અને મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, શહેરમાં પ્રોપર્ટી કાર્ડને પ્રાથમિકતા આપીને સમયમર્યાદામાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવાની સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ બેઠક તેમણે અધિકારીઓને કહ્યું હતું કે, સર્વિસ સાથે સેવા કરવાની તક મળી છે ત્યારે સંવેદનશીલતાના ભાવ સાથે પ્રજાજનોના કામ થાય તેવા પ્રયાસો કરવા જરૂરી છે. પ્રજાના સેવક છીએ ત્યારે આપણી વિશેષ જવાબદારી છે. આ તબક્કે ઈ-ધરા કેન્દ્રોમાં વેચાણ વારસાઈ કે મહેસૂલી હુકમોની નોંધો પાડવામાં અને પ્રમાણિત કરવાની કામગીરી સામે પ્રજાને ફરિયાદને અવકાશ ન રહે તેવી કામગીરી કરવાની સૂચના આપી હતી.
શહેરમાં પરિવર્તનીય વિસ્તાર-સૂચિત સોસાયટી અંતર્ગત થયેલી કામગીરીની વિગતો મેળવ્યા બાદ જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ સાથે મળીને વધુને વધુ લોકો અરજીઓ કરીને પોતાના મકાનો કાયદેસર કરે તેવી ઝુંબેશ ઉપાડવાનો મંત્રી અનુરોધ કર્યો હતો.
બેઠકમાં જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા જિલ્લામાં થયેલી ફાઈનલ મેનેજમેન્ટ પ્રોસેસ સીસ્ટમ, યુ.એલ.સી.ની જમીનો, ઓપન હાઉસમાં થયેલી કામગીરી, ઈ-ધરા પ્રોજેક્ટ, સરકારી લેણાની વસૂલાત, સ્ટેમ્પ ડયુટી, તુમાર નિકાલ, ડી.એલ.આર., રી-સર્વેમાં થયેલી કામગીરીની વિગતવાર રૂપરેખા આપી હતી.
બેઠકમાં ધારાસભ્ય વિનોદ મોરડિયા પ્રવિણ ઘોઘારી, મુકેશભાઈ પટેલ, ઝંખનાબેન પટેલ, વિવેકભાઈ પટેલ, મોહનભાઈ ઢોડિયા, જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલ, નિવાસી અધિક કલેક્ટર સંજય વસાવા, જિલ્લાના પ્રાંત અધિકારીઓ મામલતદારઓ ઉપસ્થિત રહ્યા હતા.