(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સૈયદપુરા વિસ્તારમાં ગત રાત્રે નવા વર્ષના આવકાર માટે ચારે બાજુ ફટાકડા ફોડી અને આતશબાજી કરી ઉજવણી કરાઇ રહી હતી. ત્યારે કોઇ ફટાકડાના તણખાના કારણે એક લાકડાના કાપડના ગોડાઉનમાં ભીષણ આગ લાગી ગઇ હતી. જેના લીધે સ્થાનિક લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. આગની લપેટમાં બાજુનો મકાન પણ આવી ગયો હતો.ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર વેડરોડ ખાતે રહેતા માનજીભાઇ સોલંકી કાપડના કટપીસનો ધંધો કરે છે. સૈયદપુરા મટન માર્કેટમાં તેમનો ગોડાઉન છે. આ દરમિયાન ગઇકાલે મોડી રાત્રે સાઢા બાર વાગ્યાના આસરામાં પાર્ટીશનના ગોડાઉનમાં કાપડ હોવાના કારણે આગ તૂરંત જ આખા ગોડાઉનમાં પ્રસરી ગઇ હતી અને બાજુમાં આવેલ અન્ય એક લાકડાના મકાનને પણ લપેટમાં લઇ લીધી હતી. ઘટના અંગે જાણ કરવામાં આવતા કતારગામ, મુગલીસરા અને ઘાંસી શેરી સ્ટેશનના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયરના લશ્કરોએ બાજુના મકાનને બચાવી લીધું હતું. જ્યારે ગોડાઉનમાં બીષણ આગ હોય કપડાં સહિત સંપૂર્ણ બળી ગયો હતો.