(સંવાદદાતા દ્વારા)
સુરત,તા.૧૦
પીપલોદમાં રહેતા મહિલાએ એક મહિના પહેલાં વેસુમાં કેટરીંગના ધંધાના બહાને મકાન ભાડે રાખી ડ્રગ્સનો ધંધો કરતા માથાભારે વિપલ ટેલર અંગે પોલીસને બાતમી આપતા તેના આધારે ક્રાઈમ બ્રાન્ચે રેડ પાડી ઘરમાંથી હથિયારો સાથે વિપલ ટેલરની ધરપકડ કરી હતી. જેની અદાવત રાખી માથાભારે વિપલ ટેલર અને રીયા નામની યુવતીએ મહિલાને મોબાઈલમાં વોઈસ મેસેજ મોકલી અમારા ઉપર પોલીસ કેસ કરાવ્યો છે એટલું તારૂં અને તારા પરિવારનું મર્ડર કરાવી નાંખીશ હોવાની ધમકી આપી હતી. પીપલોદ પોલીસ સંગીતા એપાર્ટમેન્ટમાં રહેતા પુજાબેન મનીષભાઈ મોરી (ઉ.વ.૨૯)એ ગઈકાલે વિપલ ટેલર અને રીયા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં પુજાબેને જણાવ્યું હતું કે તેઓ પરિવાર સાથે ઍક મહિના પહેલા વેસુગામ ધોળી ફળિયા ખાતે રહેતા હતા તે વખતે તેમના મકાનની સામેશ્વના મકાનમાં ભાડેથી રહેતા વિપલ મનીષ ટેલર અને રીયા કેટરીંગનો ધંધો કરે છે હોવાનું કહી રહેવા માટે આવ્યા હતા. પુજાબેનને સાત વર્ષનો પુત્ર વીર રાત્રેના સુમારે જાગી જતા તેને પાણી અને દૂધ પીવડાવવા માટે રસોડામાં અવાર નવાર જતી હતી તે દરમિયાન વિપલના મકાનની લાઈટ ચાલુ હોય અને અવાજ આવતો હતો ત્યારબાદ ફરી એક નાઈટમાં પુત્રને પાણી પીવડાવા માટે ઉઠી હતી ત્યારે વિપલ ટેલર બારીમાંથી કારમાં આવેલ વ્યુકિતને સફેદ કલરના પાઉડરવાળી પડીતો આપતો હતો. પુજાને કોઈ ખોટું થવાની શંકા જતા બીજા દિવસે સોસાયટીની મહિલાઓને વાત કર્યા બાદ ભેગા મળી ક્રાઈમ બ્રાન્ચમાં ફોન કરી સામેના મકાનમાં રહેતો વિપલ ટેલર ડ્રગ્સનો ધંધો કરતો હોવાની શંકા છે, જેથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જેથી પોલીસ દ્વારા વિપલના મકાનમાં તપાસ કરતા હથિયારો મળી આવતા વિપલની સામે ઉમરામાં ગુનો દાખલ કર્યો હતો. દરમિયાન ગઈકાલે પુજા ઘરે હાજર હતી કે વખતે અલગ અલગ મોબાઈલ નંબરથી વોઈસ મેસેજ આવ્યો હતો, જેમાં એકમાં રીયા અને બીજામાં વિપલ ટેલર હોવાની ઓળખ આપી અમારા ઉપર પોલીસ કેસ કરાવ્યું છે એટલે તારૂં તથા તારા પરિવારનું મર્ડર કરાવી નાંખીશ તેવી ધમકી આપી ગાળાગાળી કરી હતી. બનાવ અંગે પુજાએ ફરિયાદ નોંધાવતા પોલીસે વિપલ ટેલર અને રીયા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિપલ ટેલર સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે.