(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા. ૨૧
ગુજરાત સહિત દેશભરમાં ચકચાર જગાવનાર પાંડેસરા વિસ્તારમાં દુષ્કર્મ બાદ હત્યા કરાયેલી હાલતમાં મળી આવેલી ૧૧ વર્ષીય બાળકીના કેસમાં બહુ સનસનીખેજ અને અત્યંત ઘૃણાસ્પદ વિગતો સામે આવી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા મુખ્ય આરોપી હર્ષ સહાય ગુર્જરની ગઇકાલે ધરપકડ કર્યા બાદ આજે તેને અમદાવાદ ક્રાઇમબ્રાંચની કચેરી ખાતે તપાસ અર્થે લાવવામાં આવ્યો હતો. આરોપી હર્ષ સહાય ગુર્જરની પૂછપરછ દરમ્યાન એવા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા કે, આરોપીએ બાળકીની વિધવા માતા અને અને તેની ૧૧ વર્ષીય માસૂમ બાળકીને રાજસ્થાનના ગંગાપુરમાંથી ખરીદયા હતા. અહીં લાવ્યા બાદ આરોપી હેવાન હર્ષ ગુર્જરે માતા અને બાળકી બંનેને કેટલાય દિવસો સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી અને તેમની પર વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ બાબતે જ થયેલા ઝઘડામાં આરોપી હર્ષ ગુર્જરે વિધવા માતાને ઠંડા કલેજે મોતને ઘાટ ઉતારી દીધી હતી. એ વખતે હાજર રહેલી માસૂમ બાળકી પણ નજરે જોનાર સાક્ષી હોઇ તેનું પણ પાછળથી ગળુ દબાવી કાસળ કાઢી નાંખવામાં આવ્યું હતું. માતા અને બાળકીની હત્યાઓ અલગ-અલગ જગ્યાએ કરવામાં આવી હતી. તપાસમાં એવો પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, હર્ષ ગુર્જર અને તેના મળતીયાઓ દ્વારા વિધવા માતા અને માસૂબ બાળકી પર વારંવાર અમાનવીય અને હેવાનિયત ભરી રીતે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. રાજયનો આ બહુ સનસનાટીભર્યો ડબલ મર્ડર અને સામૂહિક દુષ્કર્મ કેસ બની રહ્યો છે. સમગ્ર કેસમાં એક પછી એક જે પ્રકારે ખુલાસાઓ થઇ રહ્યા છે તે જોઇ આરોપી હર્ષ સહાઇ ગુર્જર, તેના ભાઇ હરિસિંહ ગુર્જર સહિતના આરોપીઓ પરત્વે સમાજમાં ચોતરફ ફિટકારની અને જાહેરમાં તેઓને ફાંસી આપવાની લાગણી ઉઠવા પામી છે. નરાધમ હેવાન આરોપી હર્ષ ગુર્જરે અમદાવાદ ક્રાઇમબ્રાંચ સમક્ષ કરેલા ખુલાસાઓ સાંભળતા ખુદ પોલીસના અધિકારીઓના હૃદય દ્રવી ઉઠયા હતા અને આરોપીની હેવાનિયતથી કાળજા કંપી ગયા હતા. આરોપી હર્ષ ગુર્જરે કબૂલ્યું હતું કે, તે છેલ્લો દોઢેક વર્ષથી તેની પત્ની રમાદેવી અને બે પુત્રો દિપાન્સુ(ઉ.વ.૧૯) અને પ્રિયાન્સુ(ઉ.વ.૮) સાથે સુરત ખાતે રહે છે અને ટાઇલ્સ ફીટીંગને લગતુ કોન્ટ્રાકટરનું કામ કરે છે. તેની સાથે તેનો એક પરિચિત પણ સુરત રહેતો હતો, જે પરિણિત ન હતો અને જયપુરની કોઇ મહિલા સાથે સંબંધ હોઇ તેને સુરત બોલાવી હતી, જે તેની ૧૧ વર્ષની પુત્રીને લઇને આવી હતી. તેણીને કામરેજમાંં માનસરોવર ફલેટ નામની સાઇટ ખાતે ઇ બ્લોકના ૪થા માળે આવેલ મકાન નં-૪૦૨માં અઢી મહિના જેટલા સમય સુધી રખાઇ હતી, જયાં તે તેણીને ખાવાપીવાનું પૂરું પાડતો હતો અને તેણીની સાથે વારંવાર દુષ્કર્મ આચરતો હતો. દરમ્યાન આ મહિલા તેઓની સાથે રહેવા માંગતી હોઇ તેના મળતીયાઓ સાથે મળી બાળકીની હાજરીમાં જ તેણીને મોતને ઘાટ ઉતારાઇ હતી અને તેની લાશ અવાવરુ જગ્યાએ ફેંકી દીધી હતી. એ પછી આરોપી તેની પુત્રીને લઇ પોતાના ભાઈના ભેસ્તાન પોતાના મકાનના રૂમમાંં છુપાવી દીધા હતા. તા.૧થી તા.૫ એપ્રિલ દરમ્યાન આરોપી હર્ષ સહાઇ ગુર્જર અને તેના મળતીયા આરોપીઓએ બાળકીને હાથ અને લાકડી વડે અમાનવીય હદે ઢોર માર માર્યો હતો. એટલું જ નહી, હર્ષ સહાઇ ગુર્જર અને તેના મળતીયાઓ દ્વારા બાળકી પર હેવાનિયત અને માનવતાની હદો વટાવી સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.તા.૫ એપ્રિલે રાત્રે આ માસૂમ બાળકીને મકાનના ઉપરના ભાગે લઇ જઇ તેણીની પર સામૂહિક દુષ્કર્મ આચરી આખરે મોતને ઘાટ ઉતારી હતી અને તેણીની લાશ બાજુમાં રહેતા નરેશ ગુર્જરની કાળા કલરની સ્પાર્ક કારમાં લઇ જઇ સુરતમાં પ્રિયંકા ચોકડીથી આગળ મોહન સોસાયટી નજીક અક્ષર બિલ્ડીંગ પાછળ ખુલ્લી ઝાડીમાં ફેંકી દીધી હતી.