(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૪
શહેરના કતારગામ આંબાતલાવડી પેલેડીયમ પ્રાઈડના નવા બંધાતા બિલ્ડિંગમાં ગ્લાસ લગાવવા જતા એક મજૂર નીચે પટકાતા તેનું કરૂણ મોત નીપજ્યું હોવાનો બનાવ કતારગામ પોલીસ મથકમાં નોંધાયો હતો. પોલીસે આઈપીસી ૩૦૪અ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના કતારગામ પોલીસ મથકમાં ફરજ બજાવતા હિતેન્દ્ર ઝવેરભાઈએ નોંધાવેલી એક ફરિયાદમાં જણાવ્યું હતું કે, કતારગામ આંબાતલાવડી પાસે પેલેડીયમ પ્રાઈડના નવા બંધાતા બિલ્ડિંગનું કામ ચાલી રહ્યો છે. આ બિલ્ડિંગ ઉત્તર પ્રદેશ આઝમગઢના વતની અને હાલમાં મુંબઈ ખાતે રહેતા વિજય મેવાલાલ ચૌહાણ બાંધી રહ્યાં છે. તેમણે બિલ્ડિંગના એલીવેશનના કામ માટે કોઈ સેફ્‌ટીના સાધનોની સગવડ કરી ન હતી. આ કામ દરમ્યાન તોહીદખાન પઠાણ ઉ.વ.૩૦ બિલ્ડિંગમાં ગ્લાસ ફીટ કરતો હતો. ત્યારે અચાનક નીચે પડી જતા મોત નીપજ્યું હતું. પોલીસે આઈપીસી ૩૦૪ અ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.