(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
સુરત શહેરના ભેસ્તાન ગોલ્ડન આવાસમાં મહિલાને તેની જ બે પુત્રી અને પુત્રએ હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ પાંડેસરા પોલીસ મથકે નોંધાવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન ગોલ્ડન આવાસમાં રહેતી ૩૫ વર્ષીય યાસ્મીનબેન રસીદભાઇ શેખ મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે. યાસ્મીનબેન પોતાના પરિવારથી અલગ રહે છે. પરિવારમાં તેમની પુત્રી નસીમ શેખ, પુત્ર જાવેદ શેખ અને પુત્રી નસરીન શેખ છે. યાસ્મીનબાનુ અને તેમના સંતાન વચ્ચે કોઇ બાબતે છેલ્લાં કેટલાંક દિવસોથી ઝઘડો ચાલ્યા કરતો હતો. તા.૧૮મી જુલાઇના રોજ સવારના સમયે બે પુત્રી અને પુત્ર માતાના ઘરે ધસી આવ્યા હતા. અને ત્રણેય જણાંએ માતાને ઢીક મુક્કીનો માર માર્યો હતો. ત્યારબાદ પુત્રી નસીમે એસીડ ભરેલી પ્લાસ્ટીકની બોટલ માતાને છુટ્ટી મારી હતી. જો કે, મહિલાએ સતર્કતા વાપરી બોટલ પકડી લીધી હતી. ત્યારબાદ સંતાનોએ માતાને જાનથી મારી નાંખવાની ધમકી આપી ભાગી છૂટ્યા હતા. આ બનાવ સંદર્ભે યાસ્મીનબાનુએ પાંડેસરા પોલીસ મથકમાં તેઓના વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.