સુરત,તા.ર૬
સુરતમાં રામનવમીના તહેવાર નિમિત્તે નીકળેલ રેલીમાં સવાર શખ્સો દ્વારા મગરીબની અઝાનના સમયે મસ્જિદ પાસે મોટા અવાજે ડી.જે. વગાડી ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે મુસ્લિમોએ ખૂબ જ સંયમ દાખવી આવા તત્વોની મેલીમુરાદને પાર પાડવા દીધી ન હતી.
ગત રોજ રામનવમી નિમિત્તે સાંજના પોણા સાત વાગ્યાના સુમારે સુરત શહેરના ચોક બજાર જુમ્મા મસ્જિદની પાસે હાથમાં ખુલ્લી તલવારો, લાકડાઓ અને ગદાઓ સાથે રેલી નીકળી હતી. આ સમયે મસ્જિદમાં અઝાન થઈ રહી હતી. ત્યારે રેલીમાં જોડાયેલ કટ્ટરવાદી તત્વો દ્વારા મસ્જિદ બહાર ઉભા રહી જોરજોરથી લાઉડ સ્પીકર વગાડવાનું ચાલુ કરી દીધું હતું અને મસ્જિદમાં નમાઝ પઢવા જતા મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયાસ કરી ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલીમાં સ્પીકર દ્વારા ‘ટોપીવાલા ભી ઝુક કર બોલેગા જયશ્રીરામ’ એવા ધાર્મિક લાગણી ઉશ્કેરે એવા ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી શહેરના શાંત વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કર્યો હતો જો કે મુસ્લિમોએ ખૂબ જ સંયમ દાખવી તેમની તોફાન કરાવવાની ઈચ્છા પર આવવા દીધી ન હતી. જો કે ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરવા છતા પોલીસે સ્પીકર બંધ કરાવ્યું ન હતું. રેલી શાંતિથી પસાર થઈ જાય તે માટે સ્થાનિક મુસ્લિમોએ આજીજી કરી હતી.
અત્રે ઉલ્લેનીય છે કે રામનવમીના તહેવાર નિમિત્તે જુદા જુદા સ્થળેથી રેલી નીકળે છે પરંતુ મુખ્ય રેલી ઉધનાથી નીકળી રિંગરોડ થઈ અઠવા લાઈન્સ ખાતે પૂર્ણ થાય છે પરંતુ ચોકબજાર ભાગાતળાવ જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી કાઢવામાં આવેલ આ રેલીને કોણે પરવાનગી આપી અને કયારે આપી ? તેના આગેવાનો કોણ છે ? જેની પોલીસને પણ ખબર નથી પરંતુ મુસ્લિમોને ઉશ્કેરવા આ રેલી કાઢવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.
આ રેલીમાં ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર તથા શાંતિ ડહોળવાના પ્રયાસ સામે શહેરના લાલગેટ પોલીસ મથકમાં નદીમ, ઈકબાલ બેલીમ, હારૂન નાગોરી અને અસલમમામા દ્વારા એક અરજી અપાઈ હતી. જેમાં રેલીના આગેવાનો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી હતી.