(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૩૧
સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ.થૈન્નારસને રજૂ કરેલા બજેટમાં શહેરીજનોના માથે એક જ ઝાટકે રૂા.૫૩૭ કરોડનો વેરા વધારાનો બજેટ ઝીંકી દીધા બાદ ખુદ ભાજપમાં પણ આ વેરા વધારા સામે વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે. ત્યારે સુરત શહેર કોંગ્રેસ પક્ષે પણ આ વેરા વધારાનો વિરોધ કરવા માટે આંદોલનની તૈયારી શરૂ કરી દીધાનું જાણવા મળે છે.
સુરત શહેર કોંગ્રેસ પક્ષના પ્રમુખ હસમુખ દેસાઈના જણાવ્યા મજુબ આ આકરા વેરા વધારાની વિરૂદ્ધ કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે. ભાજપ શાસકોના અણધડ વહીવટ અને તાયફાઓને કારણે બેફામ ખર્ચાનો બોજ પ્રજાના માથે ઝીંકવામાં આવ્યો છે. એ બિલકુલ અયોગ્ય છે. આવતીકાલે કોંગ્રેસ પત્રકાર પરિષદમાં આ વેરા વધારાની સામે આંદોલન કરવાની જાહેરાત કરશે અને શહેરભરમાં આ વેરા વધારાનો વિરોધ સહિત આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે અને વેરા વધારો ઘટાડવા માટે શાસક પક્ષને ફરજ પાડવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે, ગઈકાલે મનપા કમિ. એમ. થેન્નારસને નવા વર્ષ ૨૦૧૮-૨૦૧૯નું રૂા.૫૩૭૮ કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં કરવેરા અને યુઝર્સ ચાર્જમાં કમર તોડ વધારો ઝીંકવામાં આવ્યો હતો. વિકાસના કામમાં પ્રજાના ફાળાની જરૂર હોવાનું ટાંકીને મનપા કમિશનરે ૫૪૩ કરોડનો વધારો શહેરીજનોના માથે ઝીંકી દીધો છે. નવા નાણાકીય વર્ષમાં કોઈ મોટા પ્રોજેક્ટ ન હોવા છતાં પણ ઘરખમ વેરા વધારાથી લોકોમાં ભારે આક્રોશ જાવા મળે છે. ભૂતકાળમાં વેરા વધારા સમયે સુરતીજનોનો આક્રોશ ક્ષણિક હતો હવે આ વખતે તોતિંગ વેરા વધારાનો ભાર શહેરીજનો ઝીલી લેશે કે પછી વેરા વધારો પાછો ખેંચવા ભાજપ શાસક પક્ષને ફરજ પાડવામાં આવશે ?