(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૬
શહેરના ભેસ્તાન રોડ પરથી આજે સવારે બે યુવકો બાઈક પર મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ અન્ય એક બાઈક ચાલકને ઝપેટમાં લેતા ત્રણેય રોડ પર પટકાયા હતા. જોકે આ દરમિયાન પાછળથી આવતો ટ્રકે ત્રણ બાઈક પર ફરી વળતા એકનું ધટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે આ બનાવમાં અન્ય બે ને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવને પગલે પોલીસે તપાસ આદરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મગદલ્લામા ભવાની મહોલ્લામાં રહેતા પરેશભાઈ રમેશભાઈ પટેલ (ઉ.વ.૪૦) પરિવાર સાથે રહેતો હતો. અને નવીન ફલોરીંગમાં ટેકનિશિયન તરીકે કામ કરતો હતો. આજે સવારે પરેશભાઈ કામ પર જઈ રહ્યા હતા. તેમની બાઈક ભેસ્તાન રોડ પરથી પસાર થઈ રહી હતી તે દરમિયાન રસ્તામાં ઉધનાના બે યુવાનો બે બાઈક પર મસ્તી કરી રહ્યા હતા, અને પરેશભાઈનું બાઈક તેમના બાઈકમાં અટવાઈ ગયું હતું. જોકે સમયે જ પાછળથી આવતા ટ્રક નંબર (જીજે-૫-એટી-૨૨૬૮) અડફેટે ત્રણેય બાઈક આવી ગઈ હતી. ટ્રકની અડફેટે આવેલા ત્રણેય બાઈકના સવાર રોડ પર પટકાયા હતા.જેમાં પરેશભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ તથા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું.