(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૭
શહેરના વરાછા, કતારગામ, મોટા વરાછા અને અડાજણમાં એક જ દિવસે લૂંટારૂ ટોળકી રૂ.૯૭૦૦૦ની કિંમતના ચાર મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી છે.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરીજનો માંડ-માંડ રૂપિયા બચાવી પોતાનો શોખ પૂરો કરવા માટે મોંઘાદાટ મોબાઈલ ફોનની ખરીદી કરે છે. તો કેટલાક હપ્તા સીસ્ટમમાં પણ મોબાઈલ ફોનની ખરીદી કરતા હોય છે. પરંતુ શહેરમાં સોનાના અછોડાના ચીલઝડપ કરનારા બદમાશે હવે મોબાઈલ ફોનની ચીલઝડપ કરી રહ્યા છે. વરાછા જુની બોમ્બે માર્કેટથી સીતાનગર ચોકડી જતા મેઘનાબેનના હાથમાંથી પણ બાઈક ચાલક શખ્સો રૂ.૧૦,૦૦૦ની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ગયા હતા. જ્યારે કતારગામ અનમોલ પાર્ક સોસાયટી પાસેથી પસાર થતા રત્નકલાકાર આશિષ ડોબરીયાના હાથમાંથી બાઈક ચાલક શખ્સો રૂ.૧૭૦૦૦ની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ગયા હતા.
મોટા વરાછા માતૃશ્રી ફાર્મ પાસેથી પસાર થતા નિલકુમાર ભીંગરાડીયાના હાથમાંથી બાઈક ચાલક શખ્સો રૂ.૧૦,૦૦૦ની કિંમતના મોબાઈલ ફોનની ચીલઝડપ કરી ગયા હતા.
જ્યારે અડાજણ પરશુરામ ગાર્ડન સ્થિત સનાઈ રેસીડેન્સી પાસેથી પસાર થતાં ઉર્વશીબેન કિશોરભાઈ પટેલના હાથમાંથી પલ્સર પર આવેલા બે શખ્સો રૂ.૬૦,૦૦૦ની કિંમતના આઈફોનની ચીલઝડપ કરી ગયા હતા. હાલ વરાછા, કતારગામ, અમરોલી અને અડાજણ પોલીસે ચીલઝડપની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.