(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૩
ઉધના મઢીની ખમણી પાસે એક યુવક પર ચાર ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ચારે લૂંટારા ફરાર થઈ ગયા હોવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાંચે ત્રણ ઇસમોની ધરપકડ કરી છે.
ઉધનામાં પટેલનગર પાસે શિવનગર સોસાયટીમાં રહેતો રામક્રુષ્ણ પ્રધાન શુક્રવારના રોજ સાંજે ઉધનામાં મઢીની ખમણી પાસેથી ચાલતો પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાર અજાણ્યા ઇસમોએ રામક્રુષ્ણને પડખામાં તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. તેમજ રૂા. ૧૦ હજારની કિંમતનો મોબાઈલ લૂંટી ચારેય લૂંટારા રફૂચક્કર થઈ ગયા હતા. રામક્રુષ્ણભાઇની ફરિયાદના આધારે ઉધના પોલીસે લૂંટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમ્યાન ક્રાઇમ બ્રાંચના પોલીસ કર્મીઓને મળેલી બાતમીના આધારે ચપ્પુની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપનાર ચાર આરોપી પૈકી ત્રણને ઝડપી પાડ્યા હતા. ત્રણેયની પૂછપરછ કરતા પોતાના નામ લિંબાયતના રતન ચોક ખાતે રહેતો રૂત્વીક ઉર્ફે ગાવતી પાટીલ, લિંબાયતના નવાનગર ખાતે રહેતા રોહીત ઉર્ફે ભુરીયો કોળી અને અનિલ ઉર્ફે અમીત પટેલ હોવાનું જણાવ્યું હતું.