(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
શહેરના વેડરોડ પર પંડોળમાં રવિવારે મોડી રાત્રે વીડિયો થિયેટરમાંથી પીક્ચર જોઈને બહાર આવેલા રત્નકલાકાર પર ત્રણ અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે ખૂની હુમલો કર્યો હતો. આ હુમલાખોર શખ્સોએ અન્ય એક શ્રમજીવી પર પણ હુમલો કર્યો હતો. દરમિયાન ફિલ્મ જોઈને બહાર નીકળેલા યુવકનું ખૂની હુમલામાં કરૂણ મોત નિપજ્યું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના વેડરોડ પર મંગલગ્રુપ સોસાયટી ખાતે રહેતા ૨૮ વર્ષીય પ્રવિણ ગભરૂભાઈ મેરૂ હાલ વ્યવસાયે રત્નકલાકાર છે, રવિવારે મોડી રાત્રે વેડરોડ પંડોળમાં ગેટ નં.૧ પાસે આવેલા વીડિયો થિયેટરમાં પીક્ચર જોઈ ઘરે પરત જઈ રહ્યા હતા તે સમય દરમિયાન કોઈ અગમ્ય કારણોસર ત્રણ અજાણ્યા શખ્સોએ પ્રવિણને છાતીના ભાગે ચપ્પુનો ઉંડો ઘા ઝીંકી દઈ કરપીણ હત્યા કરી નાંખી હતી. હુમલાખોર ત્રણ શખ્સોએ આ ઉપરાંત અન્ય એક રાહદારી જ્યોતિષ કેશવરામ પાટી નામના યુવક પર પણ કરપીણ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાનું જાણવા મળે છે. ચોકબજાર પોલીસને જાણ કરાતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડતો થઈ ગયો હતો. પોલીસે પણ મોડીરાત્રે જરૂરી કાર્યવાહી કરી ઈજાગ્રસ્ત જ્યોતિષ પાટીને સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. પોલીસે આજે સવારે ફિંગર પ્રિન્ટ એક્ષ્પર્ટ અને ડોગ સ્કવોર્ડની પણ મદદ લઇ આરોપીઓનું પગેરૂ મેળવવાનો પ્રયાસ કર્યો છે. પોલીસે હાલ હત્યાની નોંધ લઇ આગળની તપાસ શરુ કરી હોવાનું જાણવા મળે છે.