(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માંથી આગામી તા.૧૪મી જૂનના રોજ એક સાથે ૧૪ જેટલા કર્મચારીઓ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઇ રહ્યા છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.ના વિવિધ વિભાગોમાં અને વિવિધ ભવનોમાં ટીચિંગ અને નોન-ટીચિંગ કર્મચારીઓ કામ કરે છે. જેઓ પૈકી ઘણા વયમર્યાદાને કારણે વર્ષમાં બે વખત નિવૃત્ત થાય છે. એટલે કે, તા.૧૪મી જૂને અને ૩૧મી ઓક્ટોબરના રોજ એમ યુનિ.માં વર્ષમાં બે વખત ટીચિંગ સ્ટાફ અને નોન ટીચિંગ સ્ટાફ નિવૃત્ત થાય છે. આ વખતે પણ આગામી તા.૧૬મી જૂનથી ૧૪ જેટલા કર્મચારીઓ યુનિ. કેમ્પસમાંથી વયમર્યાદાને કારણે નિવૃત્ત થાય છે. જેમાં ત્રણ ડૉ. મુનીર અહમદ ગુલામ હુસેન ટિમોલ, ડૉ. અર્ધનારી વેક્ટરામન, ડૉ.જશુભાઇ ગુમાનભાઇ પટેલ, ટેકનિકલ આસ્સિટન્ટ પ્રવીણ ગુલાબભાઇ પટેલ, કાર્યાલય અધિક્ષક ઇંદિરાબેન ચંદ્રસિંહ ચૌધરી, કેસિયર ઇશ્વરભાઇ છોટુભાઇ ગરાસિયા, બે હેડકલાર્ક હરીશભાઇ વસંતજીભાઇ ગામીત અને બકુલભાઇ છોટુભાઇ, લેબોરેટરી આસિસ્ટન્ટ શયલાબેન શગુનકુમાર પારેખ, ત્રણ સેવકભાઇ શંકરભાઇ ઉમાભાઇ પટેલ, રાજેન્દ્ર કાંતિલાલ મેવાડા, ચંપકલાલ નાગજીભાઇ પટેલ તથા હેલ્પરબેન ગમીબેન ભગુભાઇ પટેલનાઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યની અન્ય યુનિ.ઓમાં સરકાર દ્વારા સમયાંતરે મહેકમ મંજૂર કરાતું રહે છે, પરંતુ દક્ષિણ ગુજરાતની એક માત્ર યુનિ. એટલે કે, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ. છે કે, જેમાં પાછલા ઘણા લાંબા સમયથી નોન ટીચિંગ સ્ટાફની રાજ્ય સરકાર દ્વારા ભરતીની કોઇ મંજૂરી આપવામાં આવી ન હોવાનું જાણવા મળે છે, જ્યારે ટીચિંગ સ્ટાફની પણ કંઇક આવી જ સ્થિતિ યુનિ.માં જોવા મળી રહી છે.