કાપડના કારખાના રાત્રે પણ ચાલુ રાખી શકાશે

(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨ર
હાલમાં કોરોનાના સંક્રમણને કારણે ઊભી થયેલી પરિસ્થિતિમાં સરકાર દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. આ બાબતને ચેમ્બરનું સમર્થન છે, પરંતુ હોટલ, કેટરીંગ, ઈવેન્ટ, મંડપ, ઈલેક્ટ્રીક, આર્ટિસ્ટ અને ફોટોગ્રાફર એસોસિએશનો સાથે જોડાયેલા પ્રોફેશનલ્સને કેટલીક વ્યાજબી તકલીફો પડતી હોવાને કારણે ચેમ્બર દ્વારા લગ્નપ્રસંગો તથા સમારોહને રાત્રી કરફ્યુમાં છૂટછાટ આપવા માટે જિલ્લા કલેક્ટર, મેયર, સુરત મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે. હોટલ, કેટરીંગ, ઈવેન્ટ, મંડપ, ઈલેક્ટ્રીક, આર્ટીસ્ટ અને ફોટોગ્રાફર એસોસિએશનોના પ્રતિનિધિઓએ આજરોજ ચેમ્બરને લેખિતમાં રજૂઆત કરી હતી, જેના આધારે ચેમ્બર દ્વારા કરાયેલી ઉપરોક્ત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, હાલમાં રાત્રે નવ કલાકે કરફ્યુની શરૂઆત થાય છે. ત્યારે લગ્નપ્રસંગો અને સમારોહના રાત્રીના સમયે નક્કી થયેલા પૂર્વ આયોજિત કાર્યક્રમોને કરફ્યુની સમસ્યા નડશે, તેથી આવા સંજોગોમાં રાત્રી કરફ્યુ દરમિયાન પોતાના ઘરે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે કરફ્યુ પાસની અને વ્હીકલ પાસની યોગ્ય વ્યવસ્થા કરી આપવા માટે રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતને અંતે વ્હીકલો અને વ્યક્તિઓ માટે કરફ્યુ પાસની વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરી આપવામાં આવશે તેવી ખાતરી પ્રશાસન તરફથી આપવામાં આવી હતી.
વધુમાં ટેક્ષ્ટાઈલ અને ડાયમંડ સહિતના તમામ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારખાનેદારો રાત્રી કરફ્યુ દરમિયાન કારખાનાઓ ચાલુ રાખી શકાશે. પરંતુ કારીગરોએ ફેક્ટરીના પ્રિમાઈસિસમાં રાત્રે ૮ઃ૩૦ સુધીમાં પ્રવેશવાનું રહેશે અને સવારે ૬ઃ૦૦ કલાક બાદ બહાર નીકળવાનું રહેશે.
તદુપરાંત ટ્રેન દ્વારા તથા બાયરોડ મુસાફરી કરનાર લોકો રાત્રે ૯ઃ૦૦ પછી શહેરમાં પ્રવેશ કરશે તો તેઓને ટ્રેનની ટિકિટ અથવા ટોલટેક્સની રસીદ કરફ્યુ પાસ તરીકે બતાવવાની રહેશે.