(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૩
‘કોઈ પણ રાજ્યના વિકાસના પાયામાં તેની સુરક્ષા અને સલામતી હોય છે. ગુજરાત રાજ્યની સુખ અને સમૃદ્ધિના મૂળમાં કાયદો અને વ્યવસ્થાના સખત અમલીકરણથી પ્રસ્થાપિત થયેલ શાંતિ અને સલામતી છે. રાજ્યના આર્થિક પાટનગર સુરતમાં થયેલી રૂા.૨૦ કરોડના હીરાની લૂંટનો ભેદ સુરત પોલીસે માત્ર ૬૦ કલાકના રેકોર્ડ સમયમાં ઉકેલીને પોલીસની અદ્વિતીય શક્તિનો પરિચય આપ્યો છે. સુરત પોલીસના ટીમવર્ક અને સીસીટીવી કેમેરા જેવી આધુનિક ટેકનોલોજીની મદદથી ગુનેગારોને દબોચી લેવામાં સફળતા સાંપડી છે ત્યારે રાજ્ય સરકાર રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૬ યાત્રાધામોને રૂા.૩૨૫ કરોડના ખર્ચે સીસીટીવી નેટવર્કથી સુસજ્જ કરશે.’ એમ સુરત ખાતે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત પોલીસ અભિવાદન સમારોહના અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું. તાજેતરમાં સુરતમાં રૂા.૨૦ કરોડના હિરાની લૂંટનો ભેદ ઉકેલનારા જાંબાઝ પોલીસકર્મીઓ-અધિકારીઓનું જાહેર અભિવાદન કરવાના ઉદ્દેશ્યથી આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જાંબાઝ પોલીસ જવાનોનો જુસ્સો વધારતા પ્રેરક ઉદ્‌બોધનમાં જણાવ્યું હતું કે, સમગ્ર ભારતમાં ગુજરાત રાજ્યની છાપ એક શાંતિપ્રિય રાજ્ય તરીકે પ્રખ્યાત છે. ગુજરાત પોલીસની ચાંપતી નજર, સક્રિયતા તથા આધુનિક ટેકનોલોજીના કારણે ગુના બન્યા પછી તે ઝડપથી ઉકેલાઇ જાય છે. સુરતમાં રૂા.૨૦ કરોડના હીરાની લૂંટ એ માત્ર લૂંટ નહીં, પરંતુ ગુજરાત પોલીસને ગુનેગારોનો પડકાર હતો. આ પડકારને હિંમતપૂર્વક ઝીલીને ગુનાના મૂળ સુધી જઈને પોલીસે અપરાધીઓને પોતાની અદમ્ય સાહસ અને શક્તિનો પરચો આપ્યો છે એમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, અપરાધીઓને સાંખી ન લેવાના મિજાજથી ગુજરાત પોલીસનો ભારતભરમાં દબદબો છે. પાછલા થોડા સમયમાં જૂનાગઢ, કડી, સુરત, અમદાવાદ વગેરે શહેરોમાં થયેલા ચોરી, લૂંટ, હત્યાના કેસોને ગણતરીના કલાકોમાં ઉકેલીને ગુજરાત પોલીસે ગુનેગારોમાં ધાક બેસાડી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, રાજ્યના પોલીસ વિભાગના ૭૦થી ૭૫ હજાર પોલીસ જવાનોના શિરે ગુજરાતની સુરક્ષાની જવાબદારી છે. મુખ્યમંત્રીના પોલીસ તંત્રને મુક્ત વાતાવરણ પૂરૂં પાડવાના અભિગમથી પોલીસના જોમ અને જુસ્સામાં વધારો થયો છે. રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિનરાત ખડેપગે ફરજ બજાવતા પોલીસ જવાનોને આભારી છે. ગૃહરાજ્ય મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની જાળવણી માટે યોગ્ય અધિકારીને યોગ્ય જગ્યાએ નિમણૂંક કરી સરકારે સલામતીની બાબતને અગ્રતા આપી છે. સમાજને રંજાડતા તત્વો સામે કડક હાથે પગલા લેવા સમગ્ર રાજ્યને સી.સી.ટી.વી. નેટવર્કથી જોડવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે. રાજ્ય સરકાર પોલિસને મુક્તપણે કામ કરે તેવું વાતાવરણનું નિર્માણ કરતા પોલિસ સંપૂર્ણ આત્મવિશ્વાસ અને દ્રઢતાથી કામ કરી રહી છે, આ વેળાએ મુખ્યમંત્રીશ્રીએ સુરત પોલીસની પ્રશસ્ય પહેલ એવી ગુનેગારોના ગુનાહિત માનસને સુધારવા માટેના ‘સમર્થ પ્રોજેક્ટ’નું લોન્ચિંગ કરી ‘સમર્થ’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. સમારોહમાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી, પોલિસ કમિશનર સતીશ શર્મા, પદ્મશ્રી મથુરભાઈ સવાણી, ગોવિંદભાઈ ધોળકીયા સહિત મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.