સુરતના પીપલોદ વિસ્તારમાં મોડીરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો, એક મિનિટમાં બે યુવકોના પ્રાણપખેરૂ ઊડી ગયા

સુરત, તા.૧૧
સુરતના પીપલોદ વિસ્તારમાં મોડીરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એક મિનિટમાં બે યુવકોના પ્રાણપખેરૂ ઊડી ગયા હતા. એક લક્ઝુરિયસ કારે બે યુવાનોને અડફેટે લીધા હતા જેમાં બંને યુવાનોનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. મોત પહેલાં બંને યુવાનો ૧૦૦ ફૂટ ફંગોળાયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, પીપલોદ વિસ્તારના કારગીલ ચોક પાસે બે યુવકો પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક કાર ત્યાથી પસાર થઈ હતી. કારચાલકે બંને યુવકોને અડફેટે લીધા હતા. બંને યુવકોને કારચાલકે લગભગ ૧૦૦ ફૂટ સુધી ધસડ્યા હતા. અંતે બંને યુવકો ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બંને યુવકો સુરતના પાર્લે પોઈન્ટ હોટલમાં સાથે નોકરી કરતા હતા. બંનેનું નામ પરેશ માલવી અને ગોવિંદ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું. જેમાંથી એક ઉત્તરાખંડનો વતની હતો અને બીજોે સુરતનો જ રહેવાસી હતો. બંને યુવકો છેલ્લા ૮થી ૯ વર્ષથી હોટલમાં નોકરી કરતા હતા. બંને હોટલ બંધ થયા બાદ એકસાથે પરત ફરી રહ્યા હતા, ત્યારે વૈભવી કારે તેઓને ટક્કર મારી હતી. પોલીસે સીસીટીવીના આધારે કારચાલકની તપાસ શરૂ કરી છે.