(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર હેઠળના ગુજરાત અલ્પ સંખ્યક નાણા અને વિકાસ નિગમ લિમિટેડ અને ચરોતર સુન્ની વહોરા સમાજ સુરત (દ.ગુજરાત) દ્વારા આયોજિત લઘુમતિ જાગૃતિ કેમ્પ સુરત શહેરના રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં લઘુમતિ અને દિવ્યાંગજનો માટે નિગમની સ્વરોજગારલક્ષી, મુદ્દતી ધિરાણ યોજના હેઠળ વિવિધ ધંધા વ્યવસાય અને ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક ધિરાણ યોજનાઓ વિશેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે મેયર જગદીશ પટેલે રાજ્ય તથા કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ છેવાડાના અંત્યોદયો સુધી પહોંચે તે માટે સૌને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. જેમ શરીરમાં તમામ અંગોનું પોતાનું અલગ મહત્ત્વ છે તેમ તમામ જ્ઞાતિ, જાતિ, ધર્મ, સમુદાયના લોકોએ સાથે મળીને રાષ્ટ્રના ઘડતરમાં કટિબદ્ધ થવાની હિમાયત કરી હતી. અલ્પસંખ્યક નિગમના સમાજ કલ્યાણ અધિકારી બી.એસ.પટેલે જણાવ્યું હતું કે, મુદ્દતી ધિરાણ યોજના, શૈક્ષણિક ધિરાણ યોજના, માઇક્રો ફાયનાન્સ તેમજ વ્યવાસાયિક તાલીમના વર્ગો માટેની સહાયકારી યોજનાઓના લાભોની વિસ્તૃત સમજ આપીને વધુમાં વધુ અલ્પસંખ્યક સમાજના લોકોએ ઓનલાઇન અરજીઓ કરીને લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
નાયબ નિયામક (વિકસતિ જાતિ) આર.ડી.બલદાણીયાએ વિકસતી જાતિ (બક્ષીપંચ)ની વિવિધ કલ્યાણકારી વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, કુંવરબાઇનુ મામેરૂ અંતર્ગત રૂા.૧૦ હજાર, સાત ફેરા સમૂહલગ્ન યોજના હેઠળ સંસ્થાને રૂા.૫૦ હજાર તેમજ યુગલદીઠ રૂા.૧૦ હજાર, વિદેશ અભ્યાસ માટે રૂા.૧૫ લાખ જેવી અનેક કલ્યાણકારી યોજનાઓના લાભો લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો.
મૌલાના ફૈયાઝ લાતુરી, બક્ષીપંચ મોરચના કેયુર ચપટવાલા, સુન્ની વ્હોરા સમાજના પ્રમુખ સલીમ સિંધીએ, કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ પ્રાસંગિક પ્રવચન કરીને યોજનાઓના લાભો લેવા અનુરોધ કર્યો હતો.
૧૫ મુદ્દા અમલીકરણ સમિતિના સભ્ય સઇદ મોહિનુદ્દીન, સુન્ની સમાજના આરીફ વોરા, સલીમભાઇ, રઝાકભાઇ, નિગમના યાસીન ચૌહાણ, ગૌતમ પ્રજાપતિ, સમાજ સુરક્ષાના અધિકારી આશીષ તેમજ મોટી સંખ્યામાં લઘુમતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અલ્પસંખ્યક સમુદાય માટે વિવિધ સહાયકારી યોજના
અલ્પસંખ્યક સમુદાય (મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, પારસી, યહુદી)ના આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. જેમાં મુદ્દતી ધિરાણ યોજના અંતર્ગત લઘુમતિના યુવકોને કોઇ પણ વ્યવસાય માટે કરવા માટે ૧૦ હજારથી માંડીને ૨૦ લાખ સુધીનું ધિરાણ મળે છે. શૈક્ષણિક ધિરાણ યોજના હેઠળ યુવક-યુવતિઓને વિદેશ અભ્યાસ માટે રૂા.૨૦ લાખ સુધી, માઇક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને રૂા.એક લાખ સુધી ધિરાણ તેમજ વ્યવસાયલક્ષી તાલીમ માટે મહિને રૂા.એક હજારનું સ્ટાઇપેન્ડ આપવાની જોગવાઇ અમલમાં છે. આ યોજનાઓનો લાભ મેળવવા માટે ગુજરાત અલ્પસંખ્યક નાણા અને વિકાસ નિગમ, બ્લોકનં.૧૧, ભોયતળિયે અને બીજા માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર ફોન નં.(૦૭૯) ૨૩૨ ૫૩૮૪૩ તથા નાયબ નિયામક વિકસતી જાતિ, જૂની કોર્ટ બિલ્ડિંગ, બહુમાળી ભવન, નાનપુરા, સુરત ખાતે સંપર્ક સાધવાનો રહેશે.
લઘુમતી આયોગના સભ્યની અધ્યક્ષતામાં બેઠક મળી
રાજ્ય-કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી માટે જનજાગૃતિ શિબિરો આવશ્યક : સુનિલ સિંધી
૧૫ મુદ્દાના કાર્યક્રમ થકી લઘુમતી સમુદાયના સામાજિક, આર્થિક ઉત્થાન માટેની વિપુલ તકો ઉપલબ્ધ થઇ છે, તેમ રાષ્ટ્રીય લઘુમતી આયોગના સદસ્ય સુનિલ સિંધીએ વ્યારા ખાતે જણાવ્યું હતું.
લઘુમતી સમુદાય માટેની રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓની જાણકારી માટે મોટા પાયે જનજાગૃતિ શિબિરોની આવશ્યકતા ઉપર ભાર મૂકતા સિંધીએ કહ્યું કે, આગામી સમયમાં જિલ્લા કક્ષાની સમિતિની રચના કરવામાં આવશે તેમજ તેની નિયમિત સમીક્ષા હાથ ધરાશે.
કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના નિયત લક્ષ્યાંક સહિત, લઘુત્તમ ૧૫ ટકા લાભાર્થીઓ લઘુમતી સમુદાયના હોય તેની તકેદારી સાથે, યોજનાઓનું અમલીકરણ થાય તે જરૂરી છે. સમાજમાં સામાજિક સમરસતા, સૌહાર્દ અને ભાઇચારો જળવાઇ રહે તેવા સામૂહિક પ્રયાસોની પણ આ વેળા ચર્ચા હાથ ધરી હતી. વિવિધ સમુદાયના અગ્રણીઓ સાથે સીધો સંવાદ સાધતા સિંધી જિલ્લાની સર્વગ્રાહી પરિસ્થિતિઓનો પણ આ વેળા ચિતાર મેળવ્યો હતો. લઘુમતી કલ્યાણના ૧૫ સુત્રિય કાર્યક્રમ અંતર્ગત સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની ન્યાય પ્રક્રિયા, શાળા શિક્ષણમાં વધુ પ્રવેશ, ઉર્દૂના શિક્ષણ માટે વધુ સાધનો, મદ્રેસા શિક્ષણનું આધુનિકરણ, લઘુમતિ કોમના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, મૌલાના આઝાદ શિક્ષણ પ્રતિષ્ઠાન દ્વારા શૈક્ષણિક માળખામાં સુધારો, ગરીબો માટે સ્વરોજગાર અને વેતન રોજગાર, ટેકનિકલ તાલીમ દ્વારા કૌશલ સુધારો, આર્થિક વૃત્તિઓ માટે વધુ ધિરાણ સહાય, રાજ્ય અને કેન્દ્રની નોકરીઓમાં ભરતી, ગ્રામીણ આવાસની યોજનાઓમાં સમાન હિસ્સો, લઘુમતી કોમોની વસ્તી ધરાવતા ગંદા વિસ્તારોની સ્થિતિની સુધારણા, કોમી રમખાણો રોકવા અને તેનું નિયંત્રણ, કોમી રમખાણોમાં ભોગ બનેલાઓનું પુનઃ સ્થાપન સહિતના અગત્યના મુદ્દાઓની ઝીણવટભરી સમીક્ષા હાથ ધરી હતી.
સુરતમાં લઘુમતી સમુદાયની વિવિધ યોજનાઓ સંદર્ભે જનજાગૃતિ શિબિર યોજાઈ

Recent Comments