(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૪
જીએસટી વિભાગ દ્વારા વારંવાર લહેંગા ચોળી પર જીએસટીના દર મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાંય કેટલાક વેપારીઓ ઓછા ટેક્સ ચૂકવતા હોવાની ફરિયાદો વચ્ચે સેન્ટ્રલ જીએસટી વિભાગે લહેંગા ચોળીના વેપારીઓને ત્યાં તપાસ શરૂ કરી છે. બે દિવસ પહેલા જીએસટી વિભાગની ટીમ દ્વારા રિંગરોડ પર એક મોટા કાપડ વેપારીને ત્યાં તપાસ કરી લાખો રૂપિયાનો માલ જપ્ત કરી લીધો છે.
કાપડ માર્કેટના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર જીએસટી લાગુ પડ્યા બાદથી જ કેટલાક કાપડ વેપારીઓ લહેંગા ચોળી પર કેટલો ટેક્સ છે તેને લઇ અસમજસકારક પરિસ્થિતિ ઉદ્‌ભવી રહ્યી હતી. જે અંગે કાપડ વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવતાં થોડા દિવસ રહેવા જ જીએસટી વિભાગે એક પરિપત્ર જારી કર્યો હતો. જેમાં ૧૦૦૦થી વધુની કિંમતનો હોય તો પાંચ ટકા જીએસટી ભરવાની સ્પષ્ટતા કરવામાં આવી હતી. તે છતાંય કેટલાક વેપારીઓ જાણીજોઇને અજાણતા હોવાનું ડોળ કરી લહેંગા ચોળીને બિલ પર સાડી તરીકે દર્શાવે છે. તેમજ પાંચ ટકા ડ્યુટી જ ચૂકવી રહ્યા છે અથવા તો કેટલાક તો ઓછા કિંમત દર્શાવીને ડ્યુટી ઓછી ચૂકવી છે. છેલ્લા કેટલાક દિવસથી આવી પ્રેક્ટિસ ચાલી રહી હોવાથી જે વેપારીઓ પ્રામાણિક રીતે વેપાર કરી રહ્યા છે. તેમના વેપાર પર અસર પડી રહી છે. તેમના વેપાર-ધંધાને પ્રતિકુળ અસર થઇ રહી છે. આ તમામ મુદ્દે જીએસટી વિભાગ સુધી ફરિયાદ કરવામાં આવી હતી. જેના અનુસંધાને તપાસ માટે જીએસટીની પ્રિવેન્ટીમ ટીમ દ્વારા બે દિવસ પહેલા મિલેનિયમ માર્કેટમાં લહેંગા ચોળીના એક વેપારીને ત્યાં તપાસ કરી હતી. તપાસમાં ખરીદી વેચાણ સહિતના કેટલાક આંકડાઓ જપ્ત કર્યા હતા. તે ઉપરાંત લાખો રૂપિયાનો માલ પણ જપ્ત કર્યો હતો. જેની તપાસ શરૂ કરવામાં આવી છે.