(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૫
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને હવે પાલિકા દ્વારા ઝોન પ્રમાણે નગરજનોની મુવમેન્ટ ઉપર નજર રાખવાની કામગીરી સોપવામાં આવી છે. જેને લઇને શિક્ષકોમાં નારાજગી વ્યાપયાનો જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર લોકડાઉનની સ્થિતિ વચ્ચે નિયમોનું સુરતમાં પણ ચુસ્ત રીતે પાલન થાય તે માટે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવે છે.આમ છતાં નગરજનો દ્વારા સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ચુસ્ત પણે પાલન કરાય રહ્યું નથી.જેથી સુરત મહાનગરપાલિકાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોનો વિવિધ ઝોનોમાં નગરજનોની મુવમેન્ટ ઉપર નજર રાખવા સાથે તેની નોંધ કરવા માટેની કામગીરી સોપી દીધી છે.આ કામગીરી શિક્ષકોએ સવારે ૧૦ઃ૦૦થી સાંજે ૬ઃ૦૦ વાગ્યા સુધી કરનાર છે.ત્યાર બાદ શિક્ષકોને તેમના વિસ્તારના સીઆરસીને તમામ ડેટા કે વિગતો આપવાની છે.જે વિગતો સી.આર.સી.એ જે તે ઝોનના અધિકારીઓને આપવાની રહેશે.જોકે પાલિકા દ્વારા શિક્ષકોને અપાયેલી આ પ્રકારની કામગીરીથી શિક્ષકોમાં પણ કેટલાક અંશે નારાજગી વ્યાપી જવા પામી છે.