(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ત્રણ અઠવાડિયાથી સુરતમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યા છે તેમ છતાં લોકો હજુ પણ તકેદારી અને સલામતી રાખતા નથી. પરિણામે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લગભગ છેલ્લા ૨૦ દિવસમાં ૧૩૦૦થી વધુ કેસો નોંધાઈ ચૂક્યા છે કામરેજમાં એક વૃદ્ધ મહિલાનું મોત નિપજ્યું છે. આ સાથે સુરતમાં ૧૨૪ વ્યક્તિઓનાં મોત નિપજી ચૂક્યા છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૨૧૪૬ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં શુક્રવારે ૪૧૯ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તે પૈકી ૨૩૪-દર્દીઓની હાલત ગંભીર છે આજે ૧૪-વેન્ટિલેટર, ૩૪-બાઈપેપ અને ૧૮૭ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડૉક્ટરો અને નર્સ સ્ટાફ સહિતની ટીમ રાત-દિવસ ખડેપગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે. સુરતનો રિકવરી રેટ ૬૯ ટકા છે આ ઉપરાંત સુરત શહેરના કામરેજ તાલુકામાં ૭૦ વર્ષીય મહિલાનું કોરોનાંથી મોત નિપજ્યું છે. આ મહિલાને ડાયાબીટીસ, હાઈપર ટેન્શન જેવી બીમારીથી પીડિત હતી. નવા નોંધાયેલા કેસોમાં કતારગામ ઝોનના ૧૦થી ૧૨ રત્નકલાકારોને ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત કોરોના વોરિયર્સ, વેપારી વગેરે પણ સંક્રમણ થયા છે.

કતારગામના ચાર ડાયમંડ યુનિટો સીલ

મોટાભાગના કેસો કતારગામ ઝોનમાં અને તેમાં ખાસ કરીને ડાયમંડ યુનિટો સાથે સંકળાયેલા કર્મચારીઓમાં આવી રહ્યા છે. જે રીતે ડાયમંડ ફેક્ટરીમાંથી કેસો બહાર આવતા તંત્ર ડાયમંડ ફેક્ટરીને સીલ મારવાની ચીમકી આપી હતી જે અંતર્ગત ગઈકાલે કતારગામ ઝોન વિસ્તારમાં મળેલા પોઝિટિવ કેસના કનેક્શન ડાયમંડ ફેક્ટરી સાથેનું બહાર આવતા તંત્ર દ્વારા નંદુડોશીની વાડી સ્થિત શ્રીજી જેમ્સ, વસ્તાદેવડી રોડ શ્રી રામ ડાયમેક્સ, કતારગામ સ્થિતિ પાવન જેમ્સ અને બાલાશ્રમ પાસે ડાયમંડ ફેક્ટરીના સંલગ્ન યુનિટોની સીલ કરી ૧૪૩ કર્મચારીઓને ક્વોરન્ટાઈન કર્યા હતા.