(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૩
હીરા ઉદ્યોગમાં વધતા કેસને લઈને તંત્ર દ્વારા અઠવાડિયાનું વેકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરો વતન જવા મજબૂર બન્યા છે. કામ ન કરે ત્યારે પગાર ન મળતો હોવાથી સુરતમાં ખાવા પિવાના પ્રશ્નો ઉભા થતાં કારીગરો રૂમનો સામાન પેક કરીને વતન જતાં જોવા મળી રહ્યાં છે. કતારગામમાં આવેલા ખાનગી બસના ર્પાકિંગમાંથી અને સરકારી બસ વાટે ફરીથી લોકોએ હિજરત શરૂ કરી દીધી છે. કોરોના વાયરસને લઈને ચાલેલા લાંબા લોકડાઉન બાદ હીરા ઉદ્યોગ શરૂ તો થયો પણ સંક્રમણ વધી જતાં ફરી અઠવાડીયા માટે વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. રોગચાળાની દહેશત વચ્ચે કામધંધા બંધ રહેતા રત્નકલાકારો રૂમના સામાન ભરીને વતન જવા નીકળી પડ્‌યાં છે. રોજી રોટીની તલાશમાં સુરત આવીને વસેલા લોકો કોરોનાના કારણે વતનની વાટ પકડવા મજબૂર બન્યાં છે. વધતા કેસ અને આવક બંધ હોવાને લઈને પોતાના માથે દેવા થઇ ગયા છે. જેને લઈને રત્નકલાકારો પોતાના પરિવાર સાથે અને પોતાની સુરક્ષા માટે ખાનગી બસ અને એસટીમાં તથા પોતાના ખાનગી વાહનો સાથે વતન તરફ જવા રવાના થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર સાથે ઉત્તર ગુજરાતમાંથી આવતા લોકો સુરતના વરાછા અને કતારગામ વિસ્તારમાં રહે છે ત્યારે આ બંને ઝોનમાં સતત વધી રહેલ કેસને લઈને પણ ચિંતિત દેખાયા છે.