(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
શહેરમાં સક્રિય થયેલા મોબાઈલ સ્નેચરોનો ભોગ બનેલા વધુ પાંચ જણાએ ફરિયાદ નોંધાવતા ઉધના, ઉમરા, લાલગેટ અને રાંદેર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.ઉધના પોલીસના જણાવ્યા મુજબ ભાઠેનામાં રહેતા મિતુલ સુરેશ ગઈકાલે રાત્રે ભાઠેના અંબિકાચોકથી ખરવરનગર જતા કેનાલ રોડ પાસેથી પસાર બાઈક લઈને જતા હતા તે વખતે પાછળથી બાઈક પર આવેલા બે અજાણ્યાઓએ તેમના શર્ટના ખિસ્સામાંથી મોબાઈલ આંચકી નાસી ગયા હતા. લાલગેટ પોલીસના જણાવ્યા મુજબ રામપુરા સફી પેલેસમાં રહેતા શેખ સીરાજ શેખ અબ્દુલ સમદ ગત તારીખ ૮મીના રોજ રાત્રે આઠેક વાગ્યે સ્વામીનારાયણ મંદિરની સામેથી જતા હતા ત્યારે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ ૪ હજારની કિંમતનો મોબાઈલ આંચકી ગયા હતા. ઉમરા પોલીસના જણાવ્યા મુજબ ભટાર રોડ ઉમા ભવન પાસે અટોપનગર સોસાયટીમાં રહેતા નીકુંજ તરૂણ ગર્ગ ગત તારીખ ૧૪મીના રોજ રાત્રે સાત વાગ્યાના આરસામાં ઘોડદોડ રોડ રામચોક અને શીવાજી ગાર્ડન પાસેથી જતી વખતે બાઈક પર આવેલા બે અજાણ્યાઓ તેના હાથમાંથી વન પ્લસ કંપનીનો મોબાઈલ ઝુટવી ગયા હતા જયારે બીજા બનાવમાં ઘોડદોડ રોડ કરીમાબાદ સોસાયટીમાં રહેતા રાહુલ મનસુર હમીરાણી ગત તારીખ ૧૫મીના રોજ સવારે ઘોડદોડ રોડ ભાવીક કોમ્પ્લેક્સની સામેથી પસાર થતી વખતે મોપેટ પર આવેલા બે અજાણ્યાઓ મોબાઈલ આંચકી ગયા હતા. રાંદેર પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ મોરાભાગળ ધોબીતળાવ પાસે રહેતા સંજય અશરફીલાલ કનોજીયા ગત તારીખ ૧૧મીના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે મોરાભાગળ ગોપીનાથ સોસાયટી પાસેથી જતા હતા તે દરમિયાન બાઈક પર આવેલા બે અજાણ્યાઓ મોબાઈલ ચીલઝડપ કરી નાસી ગયા હતા.