(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૯
છેલ્લા બાર કલાકમાં સુરતમાં વધુ ૨૨ પોઝિટિવ દર્દીઓ સાથે અત્યાર સુધીમાં દર્દીઓની સંખ્યા સુરત શહેરમાં ૮૩૦ થઈ છે. જેમાં સૌથી વધુ લિંબાયત ઝોનમાં ૩૩૬ કેસો નોંધાતા તંત્ર દ્વારા લિંબાયત ઝોન ઉપર વધુ ફોક્સ કરવામાં આવી રહ્યા છે. લિંબાયત ઝોનને અલગતી ટ્રીટમેન્ટ આપવાના ભાગરૂપે ગતરોજથી એપીએક્સ સર્વલન્સની કામગીરી કોર્પોરેશન દ્વારા ૨૫૦ ટીમો સાથે હાથ ધરાઈ છે અને ગતરોજ જ ૫૪,૦૦૦ ઘરોમાં ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો હતો, ત્યારે આજે પણ લિંબાયત ઝોનમાં એપીએક્સ સર્વેલન્સની કામગીરી યથાવત્‌ રહી છે. શહેરમાં આજરોજ બિનસત્તાવાર રીતે વધુ ૨૨ પોઝિટિવ કેસો નોંધાયા હોવાનું જાણવા મળે છે. ગત સાંજ સુધીમાં કુલ મિલાવીને ૮૦૮ પોઝિટિવ કેસો અને આજે નોંધાયેલા ૨૨ પોઝિટિવ કેસ સાથે કુલ આંક ૮૩૦ ઉપર પહોંચી ગયો છે, જ્યારે કુલ મૃતાંક સંખ્યા ૩૭ નોંધાઈ છે. ઉપરાંત જિલ્લાના નવ તાલુકા પૈકી આઠ તાલુકામાં કેસ નોંધાયા હતા અને બારડોલી એક માત્ર તાલુકો હતો, જ્યાં હજુ સુધી એકપણ કેસ નોંધાયો ન હતો, ત્યાં આજે બારડોલીમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાતા હડકંપ મચ્યો છે. તાલુકાના ટાઈવડ ગામે અમદાવાદથી આવેલી મહિલા સમીરા હુસેન મન્સુરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલાને બારડોલીના માલીબા કોવિડ-૧૯ કેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ છે. હવે જિલ્લાના નવે-નવ તાલુકામાં કોરોના કેસ નોંધાયા છે અને સુરત જિલ્લામાં કુલ કેસનો આંકડો ૪૮ થયો છે અને એક દર્દીનું મોત નિપજ્યું છે.

કોરોના વોરિયર્સ પોલીસકર્મીના પુત્રએ કોરોનાને માત આપી

કોરોના વોરિયર્સ એવા લિંબાયત પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સંજય લોટનભાઈ પાટીલને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેના પુત્ર હર્ષલનો પણ ગત ૨૮મીએ પોઝિટિવ રિપોર્ટ આવતા તેને પણ સારવાર માટે ખસેડાયો હતો. ત્યારબાદ તબિયતમાં સુધાર જણાતા સમરસ ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન તબીબો દ્વારા કરાયેલી સારવારને અંતે આજરોજ હર્ષલને રજા અપાતા અલથાણ ગાર્ડનની પાસે આવેલ પરષોત્તમનગર સોસાયટીના રહીશોમાં સવારથી જ ખુશીનો માહોલ છવાયો હતો.