(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૯
સુરત મહાનગર પાલિકા દ્વારા હોટસ્પોટ અને કલસ્ટર કરેલા વિસ્તારોમાં ટ્રેકીંગ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટના આધારે પોઝિટિવ કેસો શોધી રહ્યાં છે. ટેસ્ટીંગ પછી હવે સુરત મહાનગર પાલિકા ટ્રીટમેન્ટ પર વધુ ફોકસ કરી રહી છે. જેના કારણે મંગળવારે એક સાથે ૨૦ દર્દીઓને રજા આપવામાં આવી છે. હાલ કોરોના વાયરસના દર્દીઓની સંયામાં પણ ઘટાડો જોવા મળી રહ્યા છે. બુધવારે વધુ સુરત શહેરમાં ૧૭ અને જિલ્લામાં ૪ મળી કુલ ૨૧ કેસો સામે આવ્યા છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૫૯૭ પર પહોંચી ગઈ છે. અત્યાર સુધી ૨૦ દર્દીઓનાં મોત અને ૩૯ લોકોને રજા આપી દેવામાં આવી છે.
સુરત શહેરમાં બુધવારે વિવિધ હોટસ્પોટ વિસ્તારમાંથી ૧૭ પોઝિટિવ કેસો મળી આવ્યા છે. આ તમામને સારવાર અર્થે સિવીલમાં દાખલ કરાયા છે. તેમના સંપર્કમાં આવેલા તેમના પરિવાર અને મિત્રોને પણ કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરાઇ છે. પાલિકા દ્વારા તેમના શેરી, મહોલ્લા અને સોસાયટીઓમાં હોટસ્પોટ વિસ્તાર જાહેર કરી સેનિટાઇઝરીંગની કામગીરી હાથ ધરી છે. આ વિસ્તારોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. અત્યાર સુધી પાલિકા દ્વારા ૧ લાખ ૨૦ હજારથી વધુ જગ્યાએ ડિસ ઇન્ફેકશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આમ સુરતમાં અત્યાર સુધી ૫૭૨ અને જિલ્લાના ૨૫ મળી કુલ ૫૯૭ કેસો નોંધાઇ ચુકયા છે.
સુરત જિલ્લામાં શરૂ થયેલા લોકલ ટ્રાન્સમિશનના કોરોનાના કેસમાં ઓલપાડ તાલુકાના સાંધીએર ગામમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળકી કોરોના સપડાતા નવી સિવિલ હોસ્પિટલમા દાખલ કરાઈ છે. મા અને દીકરી બંને ગામની બહાર ગયા નથી. આ ઉપરાંત ઉમરપાડા તાલુકામાં બે અને ઝંખવાવમાં એક કેસ મળી આવ્યો છે. આ સાથે જિલ્લામાં કુલ ૨૫ પોઝિટિવ કેસો નોધાઇ ચુકયા છે.