(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૦
સુરત શહેરમાં વધુ ૧૧ પોઝિટિવ કેસો સામે આવ્યા છે. આ સાથે સુરતમાં પોઝિટિવ કેસનો આંક ૧,૨૧૪ પર પહોંચી ગયો છે. તેમજ કોરોનાથી વધુ એક મહિલા દદીનું મોત નિપજ્યું છે. જયારે હમણાં સુધી ૫૬ લોકો મોતને ભેટી ચુક્યા છે. રાજય સરકારે કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વેપાર ધંધો શરૂ કરવાની છુટછાટને લઇ હજુ પણ લોકોમાં ગેરસમજ જોવા મળી રહી છે. તે દરમ્યાન લોકો નોકરી ધંધે જતાં જોવા મળ્યા છે. બે મહિના બાદ શહેરી જનજીવન ધબકતુ જોવા મળ્યુ છે. તે દરમ્યાન સુરત શહેરમાં કોરોના વાયરસને ઘાટ હજુ પણ તળ્યો નથી. અને લોકલ ટ્રાન્સમિશનના કારણે કદાચ પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થાય તો નવાઇ નહીં. સુરત શહેરમાં પોઝિટિવ કેસનો આંકડો ૧,૧૩૦ પર પહોંચી ગયો છે. જયારે જિલ્લા ૮૩ કેસો નોંધાયા છે. આમ સુરત શહેર અને જિલ્લા મળી કુલ ૧,૨૧૪ કેસો થયા છે. એની સામે અત્યાર સુધી ૭૮૪ લોકો કોરોનાને મ્હાત આપી ચુકયા છે. આમ સુરત શહેરમાં કોરોના પોઝિટિવનો ડિસ્ચાર્જ રેટ ૬૬ ટકા હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજુ તા.૧૬મી મે ના રોજ નિવ સિવીલમાં દાખલ કરાયેલી લિંબાયતની ૩૮ વર્ષની બાનુ હનીફ પઠાણ નામની મહિલાનું કોરોનાથી મોત નિપજ્યું છે.