(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૩
બુધવારે કોરોનાના વધુ ૧૮ કેસ સાથે સુરતમાં દર્દીઓની સંખ્યા ભયજનક રીતે વધી રહી છે. આ ઉપરાંત વધુ એક કોરોના દર્દીનું મોત નિપજયું છે. તદઉપરાંત સુરતથી ભાવનગરના જેસરના ઉગળવા ગામે ગયેલા એક યુવકનો તેમજ હમણાં સુધી ગુજરાતમાં માત્ર અમરેલી જિલ્લો કોરોના મુકત હતો ત્યાં પણ સુરતથી ગયેલા એક વૃદ્ધાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતીત દેખાઇ રહ્યાં છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કોરોના પોઝિટિવનો આંકડો ૩૫૨ પર પહોંચી જતાં લિંબાયતને કોરોના મુકત કરવા માટે અનેક મહત્વના પગલાઓ લીધા છે. બુધવારે બપોરે સુરતના તમામ હોટ સ્પોટ અને રેડ ઝોન વિસ્તારમાંથી વધુ ૧૮ નવા કેસો મળ્યા છે. આ સાથે સુરત શહેરમાં પોઝિટિવ કેસનો આંક ૯૪૫ પર પહોંચી ગયો છે. પાલિકાએ પોઝિટિવ દર્દીના પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે. આમ સુરત જિલ્લામાં ૫૭ કેસો નોંધાયા છે. આ સાથે સુરતમાં કુલ કેસની સંખ્યા ૧,૦૦૨ પર પહોંચ્યો છે. તેમજ કોરોના વાયરસના કારણે દાખલ થયેલા લિંબાયતના ભાઠેના સ્થિત રઝાનગરમાં રહેતા ૫૪ વર્ષીય અબ્દુલ જલીલ શેખ નામના વ્યકિતનું મોત નિપજ્યુ છે. પાલિકાએ ગાઇડ લાઇન મુજબ કબ્રસ્તાનમાં દફનવિધી કર્યા બાદ ડિસ ઇન્ફેકશનની કામગીરી હાથ ધરાઇ હતી. આ સાથે કુલ મૃત્યુઆંક ૪૧ પર પહોંચ્યો છે. તદ્દપરાંત સુરતથી સૌરાષ્ટ્ર ગયેલા વ્યકિતઓમાં પણ પોઝિટિવ કેસો સામે આવી રહ્યાં છે. જેમાં સુરતથી ભાવનગરના જેસરવા ઉગરવા ગામે ગયેલા ૩૨ વર્ષીય યુવકનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. હમણાં સુધી કોરોનાથી બચીને રહેલા અમરેલી જીલ્લો પણ લપેટમાં આવી ગયો છે. સુરતથી ગયેલા અમરેલી તાલુકાના ટીમલા ગામમાં ૭૫ વર્ષીય વૃધ્ધાનો રીપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલ અમરેલીનું ખેડુત તાલીમ કેન્દ્ર બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વૃદ્ધાની તપાસ કરનાર ત્રણ ડોકટરોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
સુરતમાં વધુ ૧૮ કેસ નોંધાયા, કોરોનાથી વધુ ૧ મોત : મૃત્યુઆંક ૪૧ થયો

Recent Comments