(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૩
સુરતમાં દિવસે-દિવસે કોરોના વકરી રહ્યો હોવાથી દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. જેના લીધે મૃત્યુઆંક સંખ્યામાં પણ રોજ વધારો થઈ રહ્યો છે. શનિવારે પણ વધુ એક દર્દીનું મોત નિપજતાં અત્યાર સુધી સુરતમાં કોરોના ૫૮ વ્યક્તિઓના મોત થયા હતા. જ્યારે પ્રતિદિન ગંભીર હાલતના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં આજે ૨૪૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૪૭- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૨- વેન્ટિલેટર, ૧૪- બીપેપ અને ૩૪ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરોની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે. તેમજ શનિવારે નવા ૧૮ પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧,૩૨૬ પર પહોચ્યો છે. ભટાર રોડ પર આવેલા અલથાણ ખાતે તડકેશ્વર સોસાયટીમાં રહેતા ૭૫ વર્ષીય લીલીબેન મુરલીધર જીજતકર ગત તા.૨૧ મીએ શ્વાસ સહિતની તકલીફ થતાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં તેમનામા કોરોનાના લક્ષણો દેખાતા સેમ્પલ લઇને લેબોરેટરીમાં મોકલ્યા હતા બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન શનિવારે વહેલી સવારે તેમનુ મોત નિપજયું હતું. જો કે, લીલીબેન હૃદયની તકલીફ અને હાઈપરટેન્શનની બીમારી હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.