(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
સુરત શહેરમાં કોરોના વાયરસના પગલે લોકડાઉનની પરિસ્થિતિ ચાલી રહી છે. ત્યારે ચારથી વધુ વ્યકિતઓ ભેગા ન થાય તે માટે સુરતમાં ૩૦મી એપ્રિલ સુધી ૧૪૪ની કલમ લાગુ કરાઇ હતી. પરંતુ હાલની પરિસ્થિતિને જોતા પોલીસ કમિશ્નર દ્વારા ૧૪મી મે સુધી ૧૪૪ની કલમ લાગુ કરતું જાહેરનામું બહાર પાડ્‌યુ છે. ગુરૂવારે સુરત શહેરમાં માત્ર સાત પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જયારે જિલ્લામાં ૧ કેસ નોધાયો છે. આમ કુલ ૮ કેસો મળી અત્યાર સુધી ૬૧૫ પોઝિટિવ કેસો નોંધાયા છે. જયારે ૩૯ વ્યકિતઓને રજા અપાઇ છે. પાલિકા દ્વારા પોઝિટિવ દર્દીના ઘર અને શેરી – મહોલ્લામાં સેનેટાઇઝરીંગની કામગીરી હાથ ધરાઇ છે. આમ સુરત શહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યા ગુરૂવારે ખુબ જ ઓછી મળતાં તંત્રએ રાહતનો દમ લીધો છે. ઉપરાંત રાંદેર રામનગરમાં રહેતા ૩૮ વર્ષીય સુનિલ કનૈયાલાલ બજાજ રામપુરા પેટ્રોલ પંપની સામે એકતા બેકરીની સાથે કરીયાણાની દુકાન ધરાવતા હતા. તા.૨૬મી ના રોજ સુનિલભાઇને કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા. તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેને ૨૭મી ના રોજ સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટુંકી સારવાર દરમ્યાન ૩૦મી એપ્રિલના રોજ સુનિલભાઇનું મોત નિપજ્યું હતું. આ સાથે કુલ મૃત્યુઆંક ૨૪ પર પહોંચ્યો છે. પાલિકાએ સરકારની ગાઇડ લાઇન મુજબ મૃતકના પરિવારના બે સભ્યોને સાથે રાખીને જહાંગીરપુરા કુરૂક્ષેત્ર સ્મશાન ભુમિમાં અંતિમ વિધી કરી હતી.