(સંવાદદાતા દ્વારા) સુરત,તા.ર૮
સુરત શહેરમાં છેલ્લા ૬૦ કલાકમાં એક પણ પોઝિટીવ કેસ આવ્યો નથી પરંતુ શનિવારે વધુ સાત શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કુલ શંકાસ્પદ કેસોની સંખ્યા ૬૯ પર પહોંચી છે. જ્યારે પરવટ પાટિયાના પોઝિટિવ આવેલા વૃદ્ધનો દીકરો સહિત ત્રણના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો છે. જ્યારે હજુ પણ ૬ના રિપોર્ટ પેન્ડીંગ છે.
કોરોના વાયરસના સુરત શહેરમાં શનિવારે વધુ ૭ શંકાસ્પદ કેસો સામે આવતા તેઓને દાખલ કરવામાં આવ્યા છે. જેમાં પાલનપુર જકાતનાક ખાતે રહેતી ૪૦ વર્ષિય મહિલામાં કોરોનાના લક્ષણો દેખાતા તેને રાંદેરની સેલબી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેમજ મોટા વરાછામાં રહેતા ૮૦ વર્ષિય વૃધ્ધા અને પીપલોદમાં રહેતી ૧૪ વર્ષિય કિશોરીને કોરોનાના લક્ષણો દેખાતા તેઓને વરાછાની સ્પાર્ક તથા સિવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કતારગામમા રહેતા ૭૦ વર્ષિય વૃધ્ધા અને ૫૦ વર્ષિય આધેડ મહિલાના કોરોનાના લક્ષણો દેખાતા બંનેને યુનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા છે. તેમજ અડાજણમાં રહેતી ૮૦ વર્ષિય વૃધ્ધાને અડાજણની બાપ્સ અને વેસુ રહેતા ૨૧ વર્ષિય યુવતીને મૈત્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ સાત કેસો સાથે સુરતમાં ૬૯ કેસો શંકાસ્પદ નોંધાઇ ચુકયા છે. જેમાંથી ગુરૂવારે દાખલ થયેલા પરવટ પાટિયાના પોઝિટિવ આવેલા વૃદ્ધનો દીકરો અને મહારાષ્ટ્રથી સુરત આવેલી ડીંડોલી વિસ્તારમાં રહેતી ૮૪ વર્ષિય વૃદ્ધાનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ હાશકારો લીધો છે. જ્યારે પાલનપુર જકાતનાક ખાતે રહેતી ૪૦ વર્ષિય મહિલાનું પણ રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.
જ્યારે બીજી તરફ સિવિલ હોસ્પિટલની તમામ ઓપીડી, લેબોરેટરી, કેસ બારી અને દવા બારી સહિતના વિભાગ બહાર ગોળ સર્કલ બનાવાયા છે. કોરોના વાયરસથી બચવા હોસ્પિટલ તંત્રનો પ્રયાસ છે. સિક્યુરોટી ગાર્ડન જવાનો દર્દીઓને ગોળાકારમાં ઉભા રાખવાની જવાબદારી ઉપાડી છે. સર્કલની બહાર ગયા તો ગેટ બહાર જશો એ જ એક છેલ્લો રસ્તો અપનાવવામાં આવી રહ્યો હોવાથી લોકો પણ નિયમનું પાલન કરી રહ્યાં છે.