(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૮
હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને વેપાર ધંધાઓ ઠપ્પ થતા વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે. તે વચ્ચે આજે સવારે સુરતમાં ટોપ-ટેનમાં આવતી વર્ષો જુની ભવાનીવાડ ખાતે આવેલ એક આંગડીયા પેઢી દ્વારા કરોડો રૂપિયામાં ઉઠમણું કયું હોવાની ચર્ચા આજે સવારથી વાયુવેગની માફક પ્રસરતા વેપારીઓ તેમજ બજારમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો છે. ભવાનીવડ ખાતે આવેલી ઓફિસ સહિત ભાવનગર, અમદાવાદ, મુંબઈ અને દિલ્હીની ઓફિસને તાળા લાગી ગયા હતા. આંગડીયા પેઢીના ઉઠમણાને લઈને વેપારી સહિત ઉદ્યોગ જગતમાં ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો. તો બીજી તરફ નાણા ફસાઈ જતા લોકો દોડતા થયા હતાં.
સુત્રોના જણાવ્યા મુજબ મહિધરપુરા ભવાનીવડ ખાતે આવેલી મેસર્સ જયંતીલાલ અંબાલાલ ચોકસી નામની આંગડીયા પેઢી સુરતમાં વર્ષો જુની છે આ પેઢીની એકથી દસમાં ગણતરી થાય છે. અને પેઢીનું મોટાપાયે કામ ધરાવે છે. દરમિયાન ગઈકાલે સાંજથી પેઢી દ્વારા ઉઠમણું કરવામાં આવ્યું હોવાની વાત વાયુવેગની માફક ફેલાઈ હતી. અને તેની સુરતમાં ભવાનીવડ ખાતેશ્વની અને મુંબઈ સહિતની ઓફિસને તાળા લાગી ગયા હતા. માર્કેટમાં ચાલતી ચર્ચા પ્રમાણે જયંતી અંબાલાલ આંગડીયા પેઢી દ્વારા ૪૦૦ કરોડથી વધુનું ઉઠમણું કરવામાં આવ્યું છે. જેમાં મોટાભાગના રૂપિયા હવાલાના હોવાનું કહેવાય છે.