(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૬
શહેરના ભાઠેનાના જરી કસબના વેપારી દંપત્તિએ સુટેક્સ બેંકમાંથી રૂા.૩૬.૮૧ લાખની ક્રેટિડ ફેસિલિટી તથા ક્રેડિટ લોન લઇ તે પેટે ગીરવે મૂકેલ જરીના મશીનો બારોબાર ખસેડી તથા લોનના હપ્તા ન ચૂકવી છેતરપિંડી કર્યાની ફરિયાદ બેંકે દંપતી વિરૂદ્ધ ઉધના પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પરવટ પાટિયા ગાયત્રીનગરમાં રહેતા રસીકલાલ અમૃતલાલ ઘંટીવાલા અને શારદાબેન હાલ ભાઠેના ગોગા શેરીમાં જરી કસબ મંડળી ચલાવે છે. તેઓએ થોડા મહિનાઓ પહેલાં ધી સુટેક્ષ કો-ઓપરેટિવ બેન્કની સહારા દરવાજા બ્રાંચમાંથી રૂા.૩૬,૮૧,૦૫૦ની ક્રેડિટ ફેસિલિટી લોન તથા ક્રેડિટ લોન લીધી હતી. આ બદલ દંપતીએ ભાઠેના ખાતેના તેઓની માલિકીના સાત મોટા જરી કામના મશીનો તથા તેઓની માલિકીનું મકાન ગીરવે મૂક્યું હતું. પરંતુ આ ઠગ દંપતીએ બેંકના હપ્તા રેગ્યુલર નહીં ભરી તથા મશીનો બારોબાર ખસેડી લઈ બેન્ક સાથે છેતરપિંડી કરી હતી. સુટેક્ષ બેન્કની સહારા દરવાજા શાખાનો મેનેજર મિતેષભાઈ વિનુભાઈ પચ્ચીગરનાએ દંપતી સામે લીગલ કાર્યવાહી હાથ ધર્યા બાદ ઉધના પોલીસને જાણ કરી હતી. જેથી પોલીસે અરજીના આધારે ગુરૂવારે છેતરપિંડીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળે છે.