(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩૦
રીંગરોડ મિલેનીયમ ટેક્સટાઈલ માર્કેટના વેપારી પાસેથી કડીવાલા પિતા-પુત્રએ દલાલ મારફતે કુલ રૂપિયા ૪૫.૬૫ લાખનો ગ્રે કાપડનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ નહી આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોધાઈ છે.કાપોદ્રા કમલપાર્ક સોસાયટીમાં રહેતા ભાવેશ હિંમત સેજલીયા રીંગરોડ મિલેનીયમ ટેક્ષટાઈલ માર્કેટમાં દુકાન ધરાવે છે ભાવેશભાઈ પાસેથી ગત તારીખ ૮મી એપ્રિલ ૨૦૧૬થી ૩જી ફેબ્રુઆરી ૨૦૧૮ના સમયગાળા દરમિયાન રીંગરોડ જુની સબજેલની પાછળ ખટોદરામાં કડીવાલા હાઉસમાં ધંધો કરતા નરેસ કડીવાલા, ક્રૂણાલ નરેશ અને તેજશ નરેશ કડીવાલાએ કાપડ દલાલ મનીશ ધનકી જૈન મારફતે કુલ રૂપિયા ૪૫,૬૫,૧૮૨નો ગ્રે કાપડનો માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ મર્યાદામાં પેમેન્ટ નહી ચુકવતા ભાવેશભાઈએ ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાનું જણાવી સમય પસાર કર્યા બાદ કડીવાલા પિતા-પુત્ર અને દલાલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધુ હતુ અને કોઈ રૂપિયા ચુકાવાના થતા નથી હોવાનુ કહી છેતરપિડી કરી હતી. પોલીસે ભાવેશભાઈની ફરિયાદને આધારે કડીવાલા પિતા-પુત્ર અને દલાલ મનીષ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.