(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
શહેરમાં લોકલ ટ્રાન્સમિશનના કારણે શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે તંત્ર પણ ચિંતીત દેખાઇ રહ્યું છે. લોકોને વારંવાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની અપીલ કરવા છતાં, લોકો હજુ પણ આ અપીલનું પાલન કરતાં નથી. તેવા સમયે આજે વધુ ૧૧ શંકાસ્પદ કોરોના વાયરસના દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. ગુરૂવાર અને શુક્રવારે દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૦ના રીપોર્ટ નેગેટિવ આવતા તંત્રેે હાશકારો અનુભવ્યો છે.અત્યાર સુધી શંકાસ્પદ ૧૬૧ કેસ સુરતમાં નોંધાઇ ચુકયા છે.
આજે સવારે વધુ ૧૧ દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જેમાં સિંગણપોરમાં રહેતી ૧૪ વર્ષની કિશોરી , સરથાણામાં રહેતા ૭૪ વર્ષીય વૃધ્ધ મહિલાને શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા સ્મિમેરમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બંનેની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી પણ સામે આવી નથી. આ ઉપરાંત પુણાગામમાં રહેતા ૭૪ વર્ષીય વૃધ્ધ , ભેસ્તાનમાં રહેતો ૧૯ વર્ષીય યુવક યુપીથી આવ્યો હતો. અને ભરથાણામાં રહેતો ૪૦ વર્ષીય યુવક તથા પાંડેસરામાં રહેતો ૩૨ વર્ષીય યુવકને પણ લક્ષણો દેખાતા આ તમામને સિવીલમાં ખસેડવામાં આવ્યા છે. તેમજ ડિંડોલીમાં રહેતી ૫૭ વર્ષીય આધેડ મહિલાને પ્રાર્થના હોસ્પિટલ , ચોકબજારમાં રહેતા ૪૫ વર્ષીય યુવકને વેસુ હોસ્પિટલ , રાણીતળાવમાં રહેતી ૪૭ વર્ષીય આધેડ અને વેસુમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીને મિશન હોસ્પિટલ અને નાના વરાછામાં રહેતા ૫૦ વર્ષીય આધેડને સ્મિમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આમ ૧૧માંથી ૧૦ની કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવા છતાં લોકલ ટ્રાન્સમિશનના કારણે શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણો દેખાતા તંત્રએ સેમ્પલ લઇ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. આ સાથે કુલ શંકાસ્પદ કેસોની સંયા ૧૬૧ પર પહોચી છે. જેમાં સુરત શહેરમાં ૧૦ પોઝીટીવ , જીલ્લાના બે પોઝીટીવ કેસો નોધાયા છે. ગુરૂવાર અને શુક્રવારે દાખલ થયેલા દર્દીઓ પૈકી ૧૦ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. અને કુલ ૧૪૪ કેસોના રીપોર્ટ નેગેટીવ આવી ચુકયા છે. હજુ પણ સાત રીપોર્ટ પેન્ડીંગ હોવાનું જાણવા મળ્યું છે.