(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૯
પાલનપુર-ઉગત રોડ સ્થિત ઝઘડિયા ચોકડી પાસે રંગેહાથ ઝડપાયેલા સાયકલ ચોરને ટોળાએ લાઇટના પોલ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. રંગેહાથ ઝડપાયેલા બંને ચોર કેનાલ નજીકની એક દુકાનના સીસીટીવી કેમેરામાં પણ શંકાસ્પદ હાલતમાં નજરે પડ્યા હતા.
શહેરના અડાજણ પોલીસ મથક વિસ્તારના પાલનપુર જકાતનાકા, કેનાલ રોડ અને તેની આજુબાજુના વિસ્તાર ઉપરાંત રાંદેર પોલીસ મથક વિસ્તારમાં હિદાયત નગર અને પાલનપુર જકાતનાકાથી ઉગત જવાના રોડ વિસ્તારમાં છેલ્લાં કેટલાક સમયથી સાયકલ ચોરીની ઘટનાઓ બની રહી છે. જેનાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. તેવામાં પાલનપુર જકાતનાકાથી ઉગત જવાના રોડ સ્થિત ઝઘડિયા ચોકડી વિસ્તારમાંથી બે ચોર સાયકલ ચોરી કરતા રંગેહાથ ઝડપાયા હતા. જેને લોકોએ લાઇટ પોલ સાથે દોરડા વડે બાંધી ઢોર માર માર્યો હતો. ઘટનાને નજરે જોનારાઓએ જણાવ્યું હતું કે, સાયકલ ચોરીના દૂષણથી ત્રાહિમામ લોકોએ રંગેહાથ ઝડપી પાડેલા બંને ચોરને લાકડાના દંડા, બેલ્ટ વડે ઢોર મારમારી છોડી મૂક્યા હતા.