(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
સુરતમાં વસતા પરપ્રાંતિય કામદારોમાં માટે રેલ્વે તંત્ર દ્વારા કેટલીક સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે.પરંતુ આ ટ્રેનોની ટિકિટ રેલ્વે તંત્રે પોતે આપવાના સ્થાને કેટલાક દલાલો અને નેતાઓને આપતાં જરુરી માહિતીઓના અભાવે એક તરફ જ્યારે કામદારો અટવાય રહ્યા છે.ત્યારે તેનો લાભ લેભાગુ લોકો ઉઠાવી રહ્યા છે.જેના પુરાવારૂપ વીડિયો વાયરલ થતાં સરકારી તંત્ર અને દલાલોની મિલીભગત ઉઘાડી પડી જવા પામી છે.
શહેરમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીયો રહે છે. આ લોકોને તેમના વતન મોકલવા માટે હાલ તંત્ર તરફથી કોઇપણ પ્રકારનની ચોક્કસ અને પદ્ધતિસરની વ્યવસ્થા કરવામાં આવી નથી.જેના કારણે કામદારો પોતાના વતન જવા માટે રીતસરના ફાંફા મારી રહ્યા છે.ત્યારે રેલ્વેએ આવા પરપ્રાંતિયો માટે ટિકિટની જાતે વહેંચણી કરવાના સ્થાને કેટલાક દલાલો અને રાજકારણીઓને આ હવાલો સોપી દીધો છે.જેનો પૂરો લાભ લેભાગુ લોકો,દલાલો અને કેટલાક રાજકારણીઓ ઉઠાવી રહ્યા છે. એવા આક્ષેપ થઈ રહ્યા છે કે વ્યવસ્થાના ભાગરૂપે જે લોકોને કામ સોંપવામાં આવ્યું છે તેઓ શ્રમિકો પાસેથી વધારે પૈસા પડાવી રહ્યા છે. શ્રમિકો પાસેથી ઉઘાડી લૂંટ કરવામાં આવતી હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં શહેરના વોર્ડ નંબર ૨૫ના નગરસેવક અમિત રાજપૂતનો ભાઈ શ્રમિકો પાસેથી વધારે પૈસા પડાવી રહ્યા હોવાનું સામે આવ્યુ છે. જો કે અમિત રાજપુતે આ વીડિયો બહુ જુનો હોવાનું કહી પોતાના ભાઇનો બચાવ કર્યો હતો.